રાજૌરી સેક્ટરમાં પાક. દળોનો મોડી રાતે અંધાધૂંધ ગોળીબાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં અંકુશરેખા પર પાકિસ્તાની દળોએ ભારતીય ચોકીને નિશાન બનાવીને મોડી રાતે વધુ એક વાર ફાયરિંગ કરીને યુદ્ધવિરામ ભંગ કર્યો છે. રાજૌરીના ડેપ્યુટી કમિશનર શા‌િહદ ઇકબાલ ચૌધરીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ રાત્રે ૧૦-૩૦ કલાકની આસપાસ રાજૌરી જિલ્લાના નૌશેરાની બાબાખોરી પટ્ટી પર અંકુશરેખા નજીક હળવાં શસ્ત્રો અને એમએમજી મશીનગનનો ઉપયોગ કરીને યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. ભારતે પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. દરમિયાન ગઇ કાલે પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં હિઝબુલના બે આતંકીઓ માર્યા ગયા હતા.

જોકે સદ્નસીબે આ ગોળીબારમાં કોઇ ખુવારી થઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં યુદ્ધવિરામની ર૩ ઘટના ઘટી હતી. આ ઉપરાંત પાકિસ્તાનની બેટ ટીમે એક હુમલો કર્યો હતો અને પાકિસ્તાન દ્વારા ઘૂૂસણખોરીના બે પ્રયાસ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ જવાનો સહિત ચારનાં મોત થયાં હતાં અને ૧ર લોકો જખમી થયા હતા. જ્યારે જુુલાઇમાં જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા પર પાક. દ્વારા યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં નવ જવાન સહિત ૧૧નાં મોત થયાં હતાં અને ૧૮ જખમી થયા હતા.

આ ઉપરાંત બે અઠવાડિયાં અગાઉ સરહદ પર ગોળીબાર બાદ પાકિસ્તાન રેન્જરોએ ભારતીય સેનાના ડીજીએમઓ લેવલની વાટાઘાટ માટે અપીલ કરી હતી. આ વાટાઘાટમાં પાકિસ્તાની સેનાએ ભારતીય સેનાના ગોળીબારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પોતાના ચાર સૈનિકોનાં મોતની વાત કરી હતી. ત્યારે ભારતને સ્પષ્ટપણે સુણાવી દીધું હતું કે યુદ્ધવિરામ ભંગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો અને ભારતે માત્ર તેનો જવાબ આપ્યો છે.

આતંકીના જનાજામાં હિઝબુલ કમાન્ડર જોડાયો
દ‌િક્ષણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરામાં મરાયેલ આતંકી શારીક અહેમદના જનાજામાં હિઝબુલ મુજાહિદ્દીનનો જાતે બની બેઠેલો ડિવિઝનલ કમાન્ડર રૈયાઝ નાયકુ જોડાયો હતો. આ અંગેનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં નાયકુ હાથમાં એકે-૪૭ રાઇફલ સાથે જનાજામાં સામેલ લોકોને સંબોધન કરતો નજરે પડે છે.
http://sambhaavnews.com/

You might also like