પાક.ની જેલમાં ભારતીય કેદી કિરપાલસિંહનું રહસ્યમય મોત

લાહોર: પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય કેદી કિરપાલસિંહનું ગઈ કાલે રહસ્યમય હાલતમાં મોત થયું છે. મૃતક સરબ‌િજતસિંહ સાથે લાહોરની કોટ લખપત જેલમાં હતો. પાકિસ્તાનની અદાલતે તેને મોતની સજા ફરમાવી હતી.
જાસૂસીના આરોપસર કિરપાલસિંહ છેલ્લાં 20 વર્ષ કરતાં વધુ સમયથી લાહોરની જેલમાં હતો. 50 વર્ષીય કિરપાલ 1992માં કથિત રીતે વાઘા સરહદ પરથી પાકિસ્તાનમાં પ્રવેશતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તેને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટના આરોપસર મોતની સજા ફરમાવવામાં આવી હતી. કોટ લખપત જેલના અધિકારીના જણાવ્યા અનુસાર કિરપાલસિંહ ગઈ કાલે સવારે કોટ લખપત જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં કિરપાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિન્ના હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.

કિરપાલને છાતીમાં દુખાવો હતો
આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે આ મામલે ન્યાયિક અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. તેમણે કેટલાક કેદીઓનાં નિવેદન લીધાં હતાં, જોકે કિરપાલનું મોત યાતનાથી થયાના સવાલ અંગે તેમણે જણાવ્યું કે જેલમાં તેની સાથે રહેલા અન્ય કેદીઓને કિરપાલે તેને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તુરંત જ તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

આરોપમાં નિર્દોષ પણ સજા યથાવત્
મૃતક કિરપાલ પંજાબના ગુરદાસપુર જિલ્લાનો રહીશ હતો. એવું કહેવાય છે કે તેને લાહોરની કોર્ટ દ્વારા બોમ્બ વિસ્ફોટના આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ તેની મોતની સજા કોઈ કારણસર યથાવત્ રાખવામાં આવી હતી. તેની બહેન જગીર કૌરે જણાવ્યું હતું કે તેમનો પરિવાર આર્થિક તંગીના કારણે તેની મુક્તિ માટે અવાજ ઉઠાવી શક્યો ન હતો તેમજ આ મામલાને ઉઠાવવા કોઈ નેતા પણ આગળ આવ્યા ન હતા.

You might also like