મુશર્રફે પાક.ની પોલ ખોલી: જૈશની મદદથી ISIએ ભારતમાં બોમ્બ બ્લાસ્ટ- આતંકી હુમલા કરાવ્યા

(એજન્સી) નવી દિલ્હી: પુલવામા આત્મઘાતી હુમલાની જવાબદારી લેનારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અંગે પાક. સેનાના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે જૈશ પાકિસ્તાનમાં નથી, જોકે થોડા દિવસ પહેલાં જ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી કબૂલી ચૂક્યા છે કે આતંકવાદી સંગઠન જૈશનો પ્રમુખ મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. હવે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે અનેક ચોંકાવનારા ખુલાસા કરીને પાકિસ્તાનની પોલ ખોલી છે.

પાકિસ્તાની ચેનલ હમ ટીવીના પત્રકાર સાથેની વાતચીતમાં મુશર્રફે જણાવ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ વચ્ચે ગાઢ સંબંધ છે. આઈએસઆઈએ જૈશની મદદથી ભારતના અનેક વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ અને આતંકી હુમલા કરાવ્યા હતા.

પાકિસ્તાન સ્થિત પત્રકાર નદીમ મલિકને આપેલી ખાસ મુલાકાતમાં મુશર્રફે જૈશ-એ-મોહમ્મદ વિરુદ્ધ કરવામાં આવી રહેલી કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું પણ જૈશ પર પ્રતિબંધ કેમ મૂકવામાં નથી આવતો એ સવાલનો જવાબ તેમણે આપ્યો ન હતો. તેમણે કહ્યું કે તેઓ આઈએસઆઈ સાથે જૈશ પર પ્રતિબંધ લાદવાની વાત કરતા હતા પણ એ લોકોએ તેમની વાત માની નહોતી.

મુશર્રફે કહ્યું કે હું હંમેશાં કહેતો આવ્યો છું કે જૈશ-એ-મોહમ્મદ એક આતંકવાદી સંગઠન છે અને તેમણે જ ર૦૦૩માં મારી હત્યા કરવાની કોશિશમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. તેમની સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. મને એ વાતની ખુશી છે કે પાક. સરકાર તેમની સામે હવે કડક વલણ અપનાવી રહી છે.

મુશર્રફે મુલાકાતમાં જણાવ્યું હતું કે મારા કાર્યકાળમાં પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈએ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવા માટે અનેક વખત આતંકી સંગઠન જૈશની મદદ લીધી હતી.

You might also like