પાકિસ્તાનને પાઠ ભણાવવા કૂટનીતિ કારગર નીવડશે?

“હું દેશને આશ્વાસન આપું છું કે આ ઘૃણાસ્પદ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેને સજા જરૂર મળશે”
૧૮ સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ચાર બંદૂકધારીઓએ સેનાના કેમ્પ પર હુમલાઓ કરતાં ૧૮ જવાનો શહીદ થયા હતા. હુમલા બાદ મોદી સરકાર તરફથી ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાંતોડ જવાબ આપવાનું દબાણ વધી રહ્યું છે. શરૂઆતમાં ટાંકેલું વિધાન એ વડા પ્રધાને ઉરી હુમલો થયાના થોડી વાર પછી આપેલું નિવેદન છે. મોદીએ પોતાના નિવેદનમાં પાકિસ્તાનનું નામ ન લીધું તેમ છતાં તેમના નિવેદનથી એવા લોકોને પ્રોત્સાહન મળ્યું જે ઇચ્છે છે કે ભારત પાકિસ્તાનને હુમલાનો જવાબ આપે.

પાક.સામે યુદ્ધ: રાસ્તે ઔર ભી હૈ…
દર વખતની જેમ ઉરી હુમલા બાદ પણ પાકિસ્તાને પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે. જોકે ભારતીય સેના ઉરી હુમલાનો જવાબ આપવા માટે તૈયાર હોય તેવો માહોલ ઊભો થયો છે (કે કરાયો છે). ભારતીય સૈન્ય પોતાના માર્યા ગયેલા ૧૮ સૈનિકોની સામે પાકિસ્તાનના વધુ સૈનિકો મારવા ઇચ્છે છે. ઉત્સાહીઓને આ પગલું યોગ્ય લાગતું હોય તો પણ હાલપૂરતું તે શક્ય નથી. યુદ્ધ તરફનું એક ડગલું પણ ભારત અને પાકિસ્તાન જેવા પરમાણુ હથિયારો ધરાવતા દેશો વચ્ચે તણાવ વધારશે. ભારતના રક્ષા રણનીતિકારોનું માનવું છે કે ભારત પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યા વિના પણ પાકિસ્તાનને સબક શિખવાડી શકે તેમ છે.

ભારતની મજબૂરીઃ વૈશ્વિક છબી
નિષ્ણાતોના મતે ભારત પાસે પાકિસ્તાનને બેહાલ કરવાના કેટલાક મજબૂત વિકલ્પ છે. જો ચોક્કસ સ્ટ્રેટેજી પ્રમાણે તેના પર અમલ કરવામાં આવે તો લાંબા ગાળે પાકિસ્તાન પર તેની અસર થયા વિના ન રહે. લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર ગોળીબાર થાય પણ તેનાથી વર્ષ ૨૦૦૩માં થયેલી દ્વિપક્ષી યુદ્ધવિરામ સમજૂતીનો અંત આવે તેમ છે. દાયકાથી ભારત પાકિસ્તાનને સબક શિખવાડવા અમેરિકા તરફ નજર કરી રહ્યો છે જ્યારે હકીકતે ભારત પોતે આવું કરવા સક્ષમ છે. ગુરદાસપુર પછી પઠાણકોટ અને હવે ઉરીના હુમલા બાદ ભારતીય પ્રજામાં પાકિસ્તાન પ્રત્યે ભારે રોષ પેદા થયો છે. લોકોને હવે શાબ્દિક ચેતવણીઓમાં રસ નથી. સાડી, ડિનર કે કેરી ડિપ્લોમસી પણ લોકોને અકળાવે છે. લોકોને માત્ર કડક પગલાં લેવાય તેમાં જ રસ છે. પણ સ્થિતિ એ છે કે લોકલાગણીને માન આપીને પણ ભારત પાકિસ્તાનની જેમ બેફામપણે વર્તી શકે તેમ નથી.

પાકિસ્તાનની છાપ દુનિયાભરમાં એક આતંકવાદી દેશ તરીકેની છે. આ વાત અમેરિકા સહિત વિશ્વના સૌ દેશો જાણે છે. તેને તો કશું ગુમાવવાનું નથી. સામે પક્ષે દુનિયાભરમાં ભારતની છબી એક જવાબદાર રાષ્ટ્ર તરીકેની છે જે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હોવાની સાથે વૈશ્વિક કરારો, સંધિઓનો નિષ્ઠાપૂર્વક અમલ કરે છે. સવાલ એ છે કે ‘સૌથી મોટી લોકશાહી’ પ્રકારની વિશેષતાઓને જાળવી રાખવાની લાયમાં આપણી સરકાર સ્વબચાવ જેવાં ફરજિયાત પગલાં પણ લેતી નથી. ઉરી હુમલા બાદ લોકોમાં જે રોષ છે તેનો સીધો અર્થ એ છે કે ‘ગમે તે કરો પણ પાકિસ્તાનને જવાબ આપો’. કમનસીબે દુનિયા આખીમાં આપણે આતંકવાદના અંતની વાત કરીએ છીએ પણ આતંકવાદને છાવરતા પાકિસ્તાન સામે પગલાં ભરવામાં આપણે કંઈ કરી શક્યા નથી.

હવે તો દેશના આમ આદમીને પણ સવાલ થવા માંડ્યો છે કે એવી તો કઈ મજબૂરી છે કે આપણે સ્વબચાવ માટે પણ પાકિસ્તાન સામે પગલાં લઈ શકતા નથી ? ૧૯૭૧ વખતે દેશ અનેક મોરચે હાલ કરતાં પાછળ હતો. તેમ છતાં ઇંદિરા ગાંધીએ વૈશ્વિક છબીની પરવા કર્યા વિના, મિત્ર રાષ્ટ્ર રશિયાની અવગણના કરીને પણ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. આજે આ પ્રકારના દબાણની જરૂર છે.

નિષ્ણાતો શું માને છે ?
પાકિસ્તાનને લશ્કરી પગલાં લઈને કેવી રીતે પછાડી શકાય તે મુદ્દે નિવૃત્ત બ્રિગેડિયર જે.પી. અંકલેસરૈયા કહે છે, “કોઈ પણ સમસ્યાનો હલ લશ્કરી તાકાત વાપરવાથી આવી શકે નહીં. જો નાછૂટકે લશ્કરી તાકાત વાપરવી જ પડે તો એટલું નુકસાન કરવું કે પાકિસ્તાન પચીસ વર્ષ સુધી બેઠું ન થઈ શકે. જોકે યુદ્ધનો વિકલ્પ બંનેમાંથી કોઈને ન પોસાય. કેવી પરિસ્થિતિમાં કેવાં પગલાં લેવાં તેનો પ્લાન સેના પાસે અગાઉથી તૈયાર જ હોય છે. અનુભવે હું કહી શકું કે ઉરીમાં જે હુમલો થયો તેમાં આપણી સેનાએ જવાબી કાર્યવાહી કરી જ હશે. ભારત પાસે પાકિસ્તાન પર સીધો હુમલો કરવાને બદલે અન્ય કેટલાક વ્યૂહાત્મક રીતે મહત્ત્વના વિકલ્પો રહેલા છે. જેમ કે, એલઓસીનો ભાગ આપણો છે જે પાકિસ્તાને બળજબરીથી પચાવી પાડ્યો છે ત્યાં જવાબી કાર્યવાહી થવી જોઈએ. અહીંથી દુશ્મનો પર હુમલો કરવામાં આપણે કોઈને પૂછવાની કે યુનો કે કોઈની રજા લેવાની પણ જરૂર નથી.અત્યાધુનિક હથિયારોને કારણે હવે તો હુમલો કરવા માટે એલઓસી પાર કરવાની પણ જરૂર નથી. ડ્રોન ટાઈપનાં વિમાનોથી આપણી સીમામાં રહીને પણ પાકિસ્તાનમાં રહેલા આતંકી કેમ્પો પર હુમલો થઈ શકે છે.

સોશિયલ મીડિયામાં જે રીતે લોકો યુદ્ધ કરી નાખવાની વાતો કરે છે તેટલું આસાન હોતું નથી. તે બેધારી તલવાર જેવું છે. આપણા જવાનો પર જે વીતી તેનો બદલો લેવા માટે સારો વિકલ્પ છે છતાં તે વ્યવહારમાં મૂકવો અઘરી બાબત છે, કારણ કે સેનાની તૈયારી હોય પણ સરકારનો સપોર્ટ મહત્ત્વનો છે. તેથી પ્રથમ તો વડા પ્રધાન, ગૃહમંત્રી અને રક્ષામંત્રીએ દેશને યુદ્ધમાં જવા માટે માનસિક રીતે તૈયાર કરવો પડે. શસ્ત્રસરંજામ, જવાનો અને અન્ય સામગ્રીની ભરતી કરવી પડે. ભૂમિદળની સાથે એરફોર્સ અને નેવીને સજ્જ રાખવાં પડે. પાકિસ્તાન સિવાય ચીન મોરચે પણ તૈયારી રાખવી પડે. આ બધું તૈયાર થયા પછી પણ અમેરિકા સહિતના સુપરપાવર દેશો ભારતને પાકિસ્તાનમાં ઘૂસીને યુદ્ધ કરવા દે ખરા તે પણ સવાલ છે, કારણ કે ભારતની જેમ પાકિસ્તાન સાથે પણ દુનિયાના અનેક દેશોની ઈકોનોમી જોડાયેલી છે.

તેથી સારો વિકલ્પ એ છે કે પાકિસ્તાનને વિશ્વના અન્ય દેશોથી વિખૂટું પાડી દેવાય. જે સરકાર સારી રીતે કરી રહી છે. સતત આતંકી પ્રવૃત્તિઓથી ધમધમતા પાકિસ્તાનને હવે દુનિયા પણ ઠપકો આપવા માગે છે. આતંકવાદ આજે દુનિયાભરને પજવી રહ્યો છે ત્યારે આ મામલે જાગ્રતતા પેદા કરવાની જરૂર છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરનાર ખૂંખાર આતંકી ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં જ છુપાયો હતો. જૈશ-એ-મહંમદ, લશ્કર-એ-તોઈબા, હિઝબુલ મુજાહિદ્દીન સહિતનાં આતંકી સંગઠનોને પનાહ આપનાર પાકિસ્તાન જ છે. દુનિયા સુધી આ વાત પહોંચવી જોઈએ. દેશનું આંતરિક અર્થતંત્ર મજબૂત કરવું જોઈએ, પાકિસ્તાન સાથે રમત અને મનોરંજનને લગતા વ્યવહારો બંધ કરી દેવા જોઈએ, ત્યાંના કલાકારોને પણ પાછા તગેડી મૂકવા જોઈએ, સાર્ક જેવા વૈશ્વિક સંગઠનમાં પાકિસ્તાનને એકલું પાડી દેવું જોઈએ, ભારતીય નેવી પાવરફુલ છે તેની મદદથી પાકિસ્તાનનાં જહાજોની અવરજવર ધરાવતાં તમામ ભારતીય બંદરો પર પહેરો ગોઠવી દેવો જોઈએ. આ બધાં પગલાં એક સાથે લાંબા સમય સુધી લેવામાં આવે તો પાકિસ્તાની વગર યુદ્ધે હારી જાય તેમ છે.”

મિત્ર રાષ્ટ્રો વડે દબાણ વધારવું જોઈએ
નિવૃત્ત મેજર જનરલ મહિપતસિંહજી વાઢેર કહે છે, ” પાકિસ્તાનમાં આતંકીઓના જે અડ્ડાઓ છે તેની માહિતી આપણી પાસે હોય છે. ત્યારે આધુનિક શસ્ત્રો દ્વારા આ અડ્ડાઓ પર હુમલા કરવામાં આવે તો તેની ધારી અસર પડે. દુનિયા આખી જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સૌથી સેફ આશ્રયસ્થાન છે. અગાઉ ભારતમાં થયેલા આતંકી હુમલાઓમાં પણ કસાબ સહિતના આતંકીઓ પાકિસ્તાનના જ હોવાના પુરાવા મળ્યા છે. જો પાકિસ્તાન સીધી રીતે સ્વીકારવા જ તૈયાર ન હોય ત્યારે આપણી પાસે માત્ર આતંકી અડ્ડાઓને ખતમ કરવાનો જ વિકલ્પ બચે છે. ત્યાંની પ્રજા તો શાંતિ ઝંખે છે પણ આતંકી પ્રવૃત્તિઓ સામે ત્યાંની સરકારનું કશું ઉપજતું નથી. પરિણામે ‘સૂકાં ભેગું લીલું પણ બળે’ની તર્જ પર આતંકીઓ કરતાં પાકિસ્તાની નાગરિકોએ વધુ વેઠવાનું આવે છે.

યુનો સાથે જોડાયેલા વિશ્વના મોટાભાગના દેશો એ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને છાવરતો દેશ છે. તેમ છતાં અનેક દેશો પોતપોતાના સ્વાર્થે પાકિસ્તાન સાથે વ્યવહારો રાખે છે. ભારતની મજબૂરી છે કે તે અન્ય દેશોના પાકિસ્તાન પરના અવલંબનને કારણે પોતાનું ધાર્યું કરાવી શકતું નથી. અમેરિકાને અફઘાન બોર્ડર પર તાલિબાનો સાથેની લડતમાં પાકિસ્તાનની જરૂર છે તેથી તે સતત સહાય કર્યા કરે છે. નવાઈની વાત એ છે કે આ મોરચે લડવા માટે અમેરિકા પાકિસ્તાનને જે સહાય કરે છે તેમાંની મોટાભાગની રકમ તે ભારતની સરહદ પર વાપરી કાઢે છે. રહી વાત ઉરી કે અન્ય હુમલાઓમાં ભારતીય સેનાના જવાબની તો એક વાત જાણી લો કે ભારતીય સેના કોઈ પણ હુમલાનો જવાબ તરત આપી દે છે અને શું પગલાં લેવાયાં તે બાબત જાહેર થતી નથી.”

જળપ્રવાહ રોકી દેવો જોઈએ
દેશના રાજકીય પ્રવાહોના ઊંડા અભ્યાસી અને જાણીતા રાજકીય વિશ્લેષક પ્રોફેસર ઘનશ્યામ શાહ કહે છે, “યુદ્ધ સિવાય પણ કેટલાક વિકલ્પો છે જેના પર યોગ્ય અમલ કરાય તો પણ ભારત પાકિસ્તાનને ઘેરી શકે છે. જેમાં પાણીની વહેંચણીનો મુદ્દો, આર્થિક વ્યવહાર બંધ કરવા, અમેરિકા સહિતના દેશો પર દબાણ લાવવું કે તેઓ પાકિસ્તાનને જે મદદ કરે છે તે બંધ કરે. આ વિકલ્પોમાં સિંધુ નદીના જળનો મુદ્દો સૌથી અસરકારક સાબિત થઈ શકે તેમ છે. આતંકવાદની કાયમી સમસ્યા અને ત્રણ-ત્રણ યુદ્ધો છતાં સિંધુ વૉટર ટ્રિબ્યુનલ ૧૯૬૦ નામના કરાર ટકી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. જોકે કેન્દ્ર સરકારના નિષ્ણાતોના મતે, મોટો અવરોધ એ છે કે સિંધુ નદીનું મૂળ પશ્ચિમ તિબેટમાં કૈલાશ પર્વત અને માનસરોવરની નજીક છે. નદી લદ્દાખ, ગિલગીટ-બાલ્ટીસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા થઈને સમગ્ર પંજાબમાં વહીને સિંધ પ્રાંતમાં કરાંચી પાસે અરબ સાગરને મળે છે. જો આ સંધિ રદ કરાય તો તેની અસર ચીન, બાંગ્લાદેશ અને નેપાળ સાથેની જળસંધિ પર પણ પડી શકે છે. ૧૯૬૦માં વિશ્વબેન્કની મધ્યસ્થીથી આ સંધિ થઈ હોવાથી તેમાં થર્ડ પાર્ટી પણ સામેલ છે તેથી કોઈ એક પક્ષ માટે સંધિ રદ કરવી મુશ્કેલ છે.

અગાઉ પણ પંજાબ અને સિંધ પ્રાંત વચ્ચે તેના પાણીને લઈને વિવાદ ચાલતો હતો. વચ્ચે પાણીની વહેંચણીને લઈને કરાર થયા પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ભીંસમાં લેવા ભારતે કરાર રદ કરી નાખેલો. જેના કારણે પાકિસ્તાનની હજારો હેક્ટર ખેતી નિષ્ફળ ગયેલી. વિવાદનો અંત લાવવા વિદેશી નિષ્ણાતોની મદદથી ભારતે આખરે સિંધુ વૉટર ટ્રિબ્યુનલનો સ્વીકાર કર્યો હતો. ભારતને આશા હતી કે આ કરાર પછી પાકિસ્તાનની આડોડાઈ ખતમ થશે. કમનસીબે એવું થયું નહીં અને ૧૯૬૫માં પાકિસ્તાને ફરીથી હુમલો કર્યો. ઉરીના હુમલા બાદ સિંધુ જળ કરાર રદ કરવા ભારત વિચારી રહ્યું હોય તો તે અસરકારક રહેશે.

યુએનમાં પાકિસ્તાનને આતંકી રાષ્ટ્ર જાહેર કરવા માટેનો ઓપિનિયન આપણે ઊભો કરી રહ્યા છીએ. હુર્રિયતના નેતાઓનો આમાં હાથ હોય તો તેમને આપણે જુદા કરવા પડે. યાસીન મલિક જેવાને પાકિસ્તાન જતો રોકવા માટેનો એક જ રસ્તો છે કે પાકિસ્તાનમાં લોકો તેનો વિરોધ કરે તેવો માહોલ ઊભો કરવો. હાલ તો સરકારે કાશ્મીરીઓ પરની પકડ પણ તેની હિંદુત્વવાદી છબીના કારણે ગુમાવી છે. કાશ્મીરીઓનો પ્રેમ જીતશો નહીં ત્યાં સુધી આ લડાઈ જીતી શકાય તેમ નથી તેવી સાદી વાત પહેલાં તો સરકારે સમજવી પડશે. તે માટે કાશ્મીર સાથે સાંસ્કૃતિક જોડાણ વધારવું અને બીજું તેનો આર્થિક વિકાસ કરવો.

સોશિયલ મીડિયામાં જે યુદ્ધનો જુવાળ ઊભો થાય છે તે પ્રમાણે વર્તવું શક્ય નથી યુદ્ધની વાતો બિનજવાબદારો જ કરતા હોય.
જો કે શપથ સમારંભથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતાં લાગે છે કે મોદી સરકાર પાસે હાઈપ ઊભો કરવા સિવાય પાકિસ્તાનને લઈને કોઈ નીતિ હોય તેવું લાગતું નથી. પઠાણકોટ હુમલામાં પાકિસ્તાની એજન્સીને તપાસ માટે બોલાવવાથી આપણે મૂર્ખ બન્યા. જે સાબિત કરે છે કે સરકારની કોઈ ફોરેન પૉલિસી છે જ નહીં. આપણા માટે પાકિસ્તાન કરતાં કાશ્મીર મહત્ત્વનું છે, જેથી તે જીતવા માટે કાશ્મીરીઓનાં દિલ જીતવાં પડે. માત્ર લશ્કર તહેનાત કરી દેવાથી કામ નથી થતું. રહી વાત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલા પાડી દેવાની તો, દરેક દેશ પોતાના સ્વાર્થ પ્રમાણે વર્તે છે. અમેરિકાએ પણ આ મામલે ખોંખારીને કશું કહ્યું નથી. કૂટનીતિમાં જાહેરમાં દેખાતી મિત્રતા વ્યવહારમાં પરિવર્તિત થાય તેવું ઓછું જોવા મળે છે. તેનું તાજું ઉદાહરણ ઓબામા અને મોદીની કહેવાતી મિત્રતા છે. જાહેરમાં તેમને બરાક કહેવાથી તેઓ મિત્ર બની જતા નથી. આ સ્તરે મિત્રતા કરતાં જે તે દેશની જરૂરિયાતને પ્રાધાન્ય મળતું હોય છે. મોટી મોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી. તેના બદલે અમેરિકા પાસેથી આપણે ઓછામાં ઓછું શું કરાવી શકીએ તેનો મિનિમમ પ્રોગ્રામ બનાવી તેને પાર પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અમેરિકાને કોઈની બે આંખની શરમ નથી નડતી. ત્યારે ભારત અમેરિકાસ્થિત ત્યાંની સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમેરિકાસ્થિત ભારતીયોને સાથે રાખીને જો મિનિમમ પ્રોગ્રામના એજન્ડા મુજબ થોડું પણ કામ કઢાવી શકે તો તે સફળતા ગણાશે”

વિકલ્પ ન બચે ત્યારે જ યુદ્ધનું વિચારાય
ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધના સાક્ષી એવા રાજકોટ રહેતા ભારતીય સેનાના નિવૃત્ત કર્નલ આર. બી. હાપાણી કહે છે, “ઉરી જેવી હુમલાઓની ઘટનાઓ બને ત્યારે દેશભરમાં રોષ ફેલાય છે અને પાકિસ્તાન પર હુમલો કરવાની વાતો થાય છે. દેશપ્રેમના નાતે આવો ગુસ્સો કે દલીલો સ્વાભાવિક પ્રતિક્રિયા છે, પરંતુ વાસ્તવમાં આવાં પગલાં લેતાં પહેલાં ખૂબ વિચાર કરવો પડે છે. ૧૯૭૧ના યુદ્ધ બાદ થયેલા સિમલાકરાર મુજબ એલઓસી ક્રોસ ન કરવાનું નક્કી કરાયુંં. ભૌગોલિક રીતે જોઈએ તો એલઓસી પછી પીઓકે (પાકિસ્તાન ઑક્યુપાઈડ કાશ્મીર)નો ભાગ આવે છે. હવે માનો કે ભારત સિમલાકરારનો ભંગ કરીને પીઓકેમાં ઘૂસીને આતંકવાદી શિબિરોનો નાશ કરી પણ દે, પરંતુ પછી શુંં? ફરી એક વાર આ સ્થાન પર આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ શરૂ થઈ જશે. એથીયે મોટી સમસ્યા એ છે કે ભારતીય આર્મી એલઓસી પાર કરી ન શકે એટલે વાયુદળની મદદ લેવી પડે.

જો વાયુ દળના ફાઈટર પીઓકેમાં જાય તો પાકિસ્તાન તેની પાસે રહેલી સરફેસ ટુ એર મિસાઈલ કે એન્ટિ એરક્રાફ્ટ ગનથી વળતો વાર કરે એ મોટંુ જોખમ છે. જો પરમાણુ હથિયારનો વિકલ્પ વિચારાય તો તેની પૉલિસી એવી છે કે ભારત ક્યારેય પરમાણુ હથિયારનો પહેલો પ્રયોગ કોઈ દેશ સામે નહીં કરે તેવી આકરી શરતો મુકાયેલી છે. બીજું, કે યુદ્ધથી મોટું આર્થિક નુકસાન પણ વેઠવુ પડે. સરકાર પાકિસ્તાન સામે રાજદ્વારી પગલાં લઈને તેને દુનિયા સમક્ષ બેનકાબ કરવા જે પગલાં ભરી રહી છે તે યોગ્ય છે. જ્યારે કોઈ વિકલ્પ ના બચે ત્યારે જ યુદ્ધનો વિચાર કરવો જોઈએ.”

પાક.ને તેની જ ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે
ઈન્ડિયન એરફોર્સમાં ૧૭ વર્ષ સુધી ફરજ બજાવીને ૧૯૬પ અને ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા નિવૃત્ત એરફોર્સ ઓફિસર બી.એસ.માન કહે છે, “હવે બહુ થયું, આતંકવાદીઓ અને પાકિસ્તાનને હવે તેની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે. ઉરીની ઘટના બાદ ભારત સરકારે જે વ્યૂહરચનાઓ અપનાવી તે યોગ્ય છે અને હવે તેની સાથેના યુદ્ધ માટે સમયની રાહ જોવાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય ફોરમ પર પાકિસ્તાનને બેનકાબ કરવામાં સફળ રહ્યું છે. આ સાઇકૉલોજી પ્રેશર એ ભારતની એક જીત છે.

આર્થિક રીતે પણ ભારત મજબૂત સ્થિતિમાં છે અને ભારતીય સેનાની ત્રણેય પાંખ પણ દુશ્મન દેશ કરતાં મજબૂત સ્થિતિમાં છે. આમ, દરેક રીતે ભારતની સ્થિતિ યુદ્ધ માટે અનુકૂળ છે એટલે ભારત સરકાર તેનો લાભ લઈ લોકોને ભરોસો આપવામાં આગળ વધી રહી છે. યુદ્ધથી કોઈનું ભલું થતું નથી પણ ક્યારેક હાલત એવી ઊભી થાય છે કે યુદ્ધ છેડી દેવામાં આવેે. ઉરીની ઘટના બાદ દેશવાસીઓમાં સ્વાભાવિક ગુસ્સો છે અને તેમની ધીરજ ખૂટી રહી છે. લોકો બે રીતે રિએક્શન આપે છે. એક તો ભારતે હુમલો કરી દેવો જોઈએ અને બીજું કે યુદ્ધ વિના રાજદ્વારી પગલાંથી જીત મેળવવી જોઈએ. વર્તમાન સ્થિતિમાં સરકારે પાક.ને ચોતરફથી ભીંસમાં લેવા જે વ્યૂહરચના અપનાવી છે તે વાજબી છે.”

પાઠ ભણાવો, પછી બદલો લઈ શકાશે નહીં
ભારતીય સેનામાં ૨૦ વર્ષ સુધી ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, જમ્મુ-કાશ્મીર સરહદે તથા કારગિલ, લેહ, સિયાચીન પાસેના તુરર્તુઘના મોરચા પર ફરજ બજાવી ચૂકેલા ભરતભાઈ સુથાર કહે છે, “ઉરીમાં બટાલિયન પર થયેલા આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને તેની સાન ઠેકાણે લાવવાની આ યોગ્ય તક છે. જો આ તક ચૂક્યા તો ફરી ક્યારેય ભારત તેના શહીદ થયેલા જવાનોનો બદલો નહીં લઇ શકે કે જમ્મુ-કાશ્મીરને બચાવી નહીં શકે. ભારતને બચાવવા પ્રજાએ મોંઘવારી ખમવાની, સેનાએ ખુવારી ખમવાની અને રાજકારણીઓએ ખુરશી ગુમાવવાની તૈયારી રાખવી પડશે. મહિના-બે મહિનાથી કાશ્મીરનું વાતાવરણ તંગ હતું, એ ચેતવણી હતી. સેના સમય- સમય પર સરકારને ચેતવણી આપે છે, પરંતુ સરકાર જાગતી નથી. નાપાક હરકત કરતાં પાકિસ્તાનને સીધું કરવું હશે અને કાશ્મીરને બચાવવું હશે તો સીધું યુદ્ધ જ કરવું જોઇએ અથવા પાકિસ્તાનની જેમ જ પ્રોક્સી વૉર કરીને તેની કમર ભાંગી નાખવી જોઇએ. ભારત-પાક યુદ્ધના કારણે વિશ્વયુદ્ધની નોબત પણ આવી શકે. તે છતાં ભારતે મક્કમ થઇને તેને જવાબ તો આપવો જ રહ્યો. હાલમાં પાક. હુમલાના કારણે હજારો સૈનિકો શહીદ થઇ રહ્યા છે. એક શહીદની સાથે તેનો આખો પરિવાર જિંદગીભર શહીદી ભોગવે છે.”

પાઠ ભણાવવો જરૂરી, પરંતુ યુદ્ધથી નહીં
ભુજમાં વસતા અને એરફોર્સમાં ૨૬ વર્ષ સેવા આપીને ચાર યુદ્ધ લડી ચૂકેલા અને બે વખત મોતને હાથતાળી આપીને આવેલા નિવૃત્ત રેડિયો એન્જિનિયર- વૉરંટ ઓફિસર ભાલચંદ્ર બાવસે કહે છે, “પાકિસ્તાનને સબક શીખવવો જરૂરી હોવા છતાં તે માટે યુદ્ધ યોગ્ય રસ્તો નથી. પાક. છેલ્લા થોડા સમયમાં અનેક આતંકવાદી હુમલાને પીઠબળ પૂરું પાડીને ભારત સામે પ્રોક્સી વૉર કરી રહ્યું છે. તેને પાઠ ભણાવવો એ સમયની જરૂરિયાત છે, પરંતુ તે માટે યુદ્ધ કરવું એ યોગ્ય રસ્તો નથી. ભારત-પાક. યુદ્ધ કદાચ ત્રીજા વિશ્વયુદ્ધને જન્મ આપે તેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. યુદ્ધ કરવાથી દેશમાં મોંઘવારી ભડકે બળશે. જો યુદ્ધ થાય તો ભારત પાકિસ્તાનને ભારે પડી શકે છે, પરંતુ તે માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડે. ભારતે કૂટનીતિ અપનાવીને વિશ્વમાં પાકિસ્તાન એકલું પડી જાય તેવા પ્રયાસ પર વધુ ભાર આપવાથી તેના પર દબાણ કરી શકાશે.”

પાક.ને આતંકવાદી દેશ ઘોષિત કરો
ડીફેન્સ એનાલિસ્ટ ડૉ. ઉન્મેષ પંડ્યા કહે છે, “સૌથી પહેલાં તો ભારત સરકારે પોતે તરત જ સંસદની બેઠક બોલાવી પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરી દેવો જોઇએ. જો આપણે જ નહીં કરીએ તો બીજા દેશોને કેવી રીતે કહી શકીએ કે તેઓ જાહેર કરે. દુનિયા જાહેર કરશે ત્યારે કરશે પહેલાં આપણે તો કરી જ દેવો જોઇએ. આમ કરવાથી બીજા દેશો પર પણ દબાણ ઊભું થશે. બાદમાં વેપાર માટે જે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપેલો છે તે પણ ફોક કરવો જોઇએ. કોઇ દુશ્મન દેશ મોસ્ટ ફેવર્ડ કેવી રીતે હોઇ શકે? પાકિસ્તાન સાથે થતા તમામ વેપાર-ધંધા બંધ કરી દેવા જોઇએ. આપણે પાકિસ્તાનમાંથી સસ્તા કાંદા અને ખાંડ મગાવીએ છીએ. દેશમાં આવતી મોટાભાગના ફૂટબોલ ત્યાંથી જ આવે છે. આ બધું બંધ કરી દેવું જોઇએ.

ત્રીજું, અરબ સાગરમાંથી પસાર થતાં પાકિસ્તાનનાં જહાજોની નાકાબંધી કરવી જોઇએ. જીવનજરૂરિયાતના માલ સિવાયનાં તમામ જહાજોને આપણે અટકાવી રાખવાં જોઇએ. આપણે તેમ કરી શકીએ છીએ. જે જહાજોમાં શસ્ત્રો જતાં હોય તે આપણે શા માટે જવા દેવાં જોઇએ?  આ ઉપરાંત આપણા દેશની એરસ્પેસ પણ પાકિસ્તાન ઉપયોગ ન કરી શકે તેવી જાહેરાત કરી દેવી જોઇએ અને છેલ્લે પાકિસ્તાનમાંથી આપણી કૉન્સ્યુલેટના મોટા અધિકારીઓને પાછા બોલાવી લેવા જોઇએ. ત્યાં માત્ર નામ પૂરતા થોડા અધિકારી રાખી શકાય. ઉપરાંત આપણે ત્યાં રહેલા પાકિસ્તાનના અધિકારીઓને પાછા જવા કહી દેવું જોઇએ. આપણે આ બધું કરવું જ પડશે.”

ટૂંકમાં, ઉરી હુમલાનો બદલો લેવો જોઈએ અને તેના માટે યુદ્ધ સિવાયના પણ અનેક મોરચા ખુલ્લા છે, તેવું વિવિધ નિષ્ણાતોના અભિપ્રાય પરથી સાબિત થાય છે. જોવાનું એ રહે છે કે વર્તમાન સરકાર કયો રસ્તો અપનાવીને ઉરીના ઉશ્કેરાટને ઠંડો પાડશે.

પૂરક માહિતી: દેવેન્દ્ર જાની-રાજકોટ,
સુચિત બોઘાણી કનર-ભૂજ, વિરાંગ ભટ્ટ-સુરત,
લતિકા સુમન-મુંબઈ

You might also like