પાકિસ્તાન બેકફૂટ પરઃ આતંકવાદ અંગેની મિટિંગમાં ગેરહાજર રહેશે?

નવી દિલ્હી: સાર્કમાં સામેલ દેશોની આતંકવાદ વિરુદ્ધની લડાઈ વધુ મજબૂત બનાવવા અંગે યોજાનારી મિટિંગ શરૂ થવામાં હવે બે દિવસ બાકી છે ત્યારે હજુ પાકિસ્તાને તેમાં હાજરી આપવા અંગે તેના અધિકારીઓનાં નામ મોકલાવ્યાં નથી. ત્યારે પાકિસ્તાન તેમાં સામેલ થશે કે નહિ તે અંગે શંકા સેવાઈ રહી છે. આ મિટિંગમાં અફઘાનિસ્તાન,માલદીવ, શ્રીલંકા અને ભુતાન સહિત સાર્કમાં સામેલ અન્ય દેશ ભાગ લેશે.૨૨ સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં આ મિટીંગ શરૂ થવાની છે.

આ મિટિંગના આયોજન સાથે સંકળાયેલા ગૃહ મંત્રાલયના અેક સિનિયર અધિકારીઅે જણાવ્યું કે અન્ય તમામ દેશોએ મિટિંગમાં ભાગ લેનારા તેમના નિષ્ણાતોનાં નામ મોકલી આપ્યાં છે. અમે માત્ર પાકિસ્તાનના અધિકારીઓના નામની જ રાહ જોઈ રહ્યા છીએ. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમને આશા છે કે પાકિસ્તાન તેની ત્યાંથી અથવા નવી દિલ્હીમાં તહેનાત તેના અધિકારીઓમાંથી કોઈ પ્રતિનિધિની નિમણૂક કરી શકે છે.

આ અંગે અેક અધિકારીએ જણાવ્યું કે જો અધિકારી પાકિસ્તાનથી આવી રહ્યા હશે તો તેમના માટે અમારે પહેલાથી તેમની સિક્યોરિટી ક્લિયરન્સ કરવી પડશે. પરંતુ આવી બાબત અંતિમ સમયે મુશ્કેલ બની શકે છે. પાકિસ્તાન પાસે નવી દિલ્હીમાં તેના દૂતાવાસમાંથી પણ કોઈ અધિકારીને નિમણૂક કરવાનો વિકલ્પ છે. પરંતુ હજુ સુધી તેણે કોઈ અધિકારીનું નામ આપ્યું નથી. અધિકારીઓનું માનવું છે કે થોડા સમય પહેલા ગૃહપ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવ્યો હોવાથી અને તેને અલગ કરી દેવાનું નિવેદન આપ્યું હોવાથી કદાચ પાકિસ્તાન આ મિટિંગમાં આવવા નહી માગતું હોવાની પણ શક્યતા જણાઈ રહી છે.

You might also like