ત્રણ દિવસમાં ક્વેટામાં બીજો બોમ્બ બ્લાસ્ટઃ અનેકનાં મોતની આશંકા 

ક્વેટા: પાકિસ્તાનના ક્વેટામાં માત્ર ત્રણ જ દિવસમાં થયેલા એક બીજા બોમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. ક્વેટામાં આવેલી અલ-ખૈર હોસ્પિટલની આસપાસ આ પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર આ બ્લાસ્ટમાં ચાર લોકો ઘાયલ થયા છે, પરંતુ કેટલાંક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાંય લોકોનાં મોતની આશંકા છે.

આજે સવારે ક્વેટામાં ઝરગાઓ રોડ સ્થિત અલ-ખૈર હોસ્પિટલ નજીક આ બ્લાસ્ટ થયો હતો. બચાવ ટીમના લોકોનું કહેવું છે કે બલુચિસ્તાનની પ્રાંતિય રાજધાની ક્વેટામાં અલ-ખૈર હોસ્પિટલ નજીક થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસની અનેક ઈમારતોના કાચ પણ તૂટી ગયા હતા. પોલીસ જોકે હજુ આ બ્લાસ્ટ અંગે માહિતી મેળવી રહી છે.

સુરક્ષા દળોએ બ્લાસ્ટ સ્થળ પહોંચીને તેના પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. રાહત અને બચાવ ટુકડીએ પણ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર આ બ્લાસ્ટમાં બે નાગરિકો અને બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ત્રાસવાદી વિરોધી દળની ગાડીને નિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ બોમ્બ રસ્તાની એક બાજુએ ગોઠવવામાં આવ્યો હતો અને જેવી તેના પરથી ગાડી પસાર થઈ કે તેમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

You might also like