પાક.માં વસતા લાખો હિંદુઓ માટે લગ્ન અંગેનો કાયદો નથી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં વસતા લાખો હિંદુઓ માટે લગ્નનો અલગથી કોઈ કાયદો ન હોવાથી તેઓ ઘણી કાનૂની જટિલતાઓનો સામનો કરી રહ્યા છે. પાકિસાતનના એક અગ્રણી અખબારે જણાવ્યું હતું કે તેનો ભોગ ખાસ કરીને મહિલાઓને બનવું પડે છે.  પાકિસ્તાનના અગ્રણી અખબાર ‘ડોન’માં ‘હિંદુ મેરેજ બિલ’ શીર્ષકથી લખાયેલા તંત્રીલેખમાં જણાવાયું છે કે ઘણાં નેતાઓ લઘુમતિઓના અધિકારની વાતો તો ખૂબ જોરશોરથી કરે છે પરંતુ જ્યારે તેમના હક્કોને સુનિશ્ચિત કરવાની વાત આવે છે ત્યારે ઘણાં ઓછાં નેતા દેખાય છે. તેનું એક ઉદાહરણ હિંદુઓ માટે વિવાહ કાયદાનો દાયકા જૂનો મુદ્દો છે.

અખબારમાં જણાવાયું છે કે હાલ પાકિસ્તાનમાં રહેતા લાખો હિંદુઓ માટે લગ્નનો કોઈ કાયદો નથી. આ કાનૂની ખામી નિશ્ચિત રૃપે પાકિસ્તાની હિંદુઓ માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે. ખાસકરીને હિંદુ મહિલાઓને વધુ તકલીફ પડે છે.  અખબારે તેનું ઉદાહરણ આપતાં જણાવ્યું છે કે હિંદુ મહિલાઓને અમલદારો સામે પોતાના સંબંધોને પૂરવાર કરવામાં તકલીફ પડે છે. ખાસ કરીને વિધવા મહિલાઓને વધુ મુશ્કેલી પડે છે. લગ્નનો કોઈ સત્તાવાર પુરાવો ન હોવાને લીધે સરકારી દસ્તાવેજ મેળવવામાં,બેંક ખાતું ખોલાવવામાં અથવા વિઝા માટે અરજી કરવાનું લગભગ અશક્ય બની જાય છે.

વધુમાં જણાવાયું છે કે એક સેમિનારમાં આ મુદ્દો નેશનલ એસેમ્બલીની સ્ટેન્ડિંગ કમિટિ ઓફ લો એન્ડ જસ્ટિસના અધ્યક્ષે ઉઠાવ્યો હતો. તેમને ગૃહમાં રજૂ કરવામાં આવેલા હિંદુ મેરેજ બિલને પસાર કરવાનું છે. તે છતાં કમિટિના સભ્યો વચ્ચે સર્વસંમતિ સાધવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.

You might also like