ભારતના ‘એક્શન’થી પાકિસ્તાન ગભરાઈ ગયું : ભારતને રોકવા યુએનને શરણે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ખૂબ વધી ગયો છે. પુલવામા હુમલા પછી ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે, જેનાથી પાકિસ્તાનના હોશ ઊડી ગયા છે. ભારતના ‘એક્શન’થી ગભરાયેલું પાકિસ્તાન ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના શરણે પહોંચી ગયું છે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ યુએનના મહાસચિવને એક પત્ર લખીને ભારતની ફરિયાદ કરી છે. મહમૂદ કુરૈશીએ પત્રમાં લખ્યું છે કે, પુલવામા હુમલા બાદ ભારત સરકારે તણાવ વધારવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં નજીકના ભવિષ્યમાં થનારી લોકસભા ચૂંટણી પહેલાં આ પ્રકારના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. પાક. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે, ભારત આ વિસ્તારમાં તણાવ વધારવા ઈચ્છે છે અને તેનાથી ઘણું મોટું નુકસાન થઈ શકે છે.

કુરૈશીએ ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, પુલવામામાં થયેલા આતંકી હુમલાના થોડા દિવસ પહેલાં જ તેમના કાર્યાલયે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાં હિન્દુ વોટ મેળવવા માટે એ પ્રકારની ગતિવિધિ થઈ શકે છે, જેમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકોને ભડકાવવામાં આવશે.

તેમણે કહ્યું કે, જો પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોય તો ભારતે તેના પુરાવા આપવા જોઈએ. અમે અમારી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરાવશું. તેમણે પત્રમાં લખ્યું છે કે, યુએને એક્શન લેતાં ભારતને કહેવું જોઈએ કે, આ પ્રકારના તણાવને તાત્કાલિક રોકવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરતાં ચોમેરથી ઘેરાયેલું પાકિસ્તાન હવે યુએનને શરણે પહોંચી ગયું છે.

સૌથી પહેલાં ભારતે પાકિસ્તાનને આપેલો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એકલું પાડી દેવા માટે અન્ય દેશો સાથે આ મુદ્દે વાતચીત શરૂ કરી હતી. ભારતની કડક કાર્યવાહીથી આર્થિક બેહાલીનો સામનો કરી રહેલું પાકિસ્તાન સાવ તૂટી ગયું છે.

You might also like