પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે પાકિસ્તાને મોટી ભૂલ કરી છે. તેની હવે તેમણે કિંમત ચૂકવવી પડશે. હું દેશને ખાતરી આપું છું કે હુમલા પાછળ જે તાકાત કામ કરી રહી છે અને હુમલા માટે જે પણ લોકો ગુનેગાર છે તેમને સજા અવશ્ય મળશે. આપણે જે લડાઇ શરૂ કરી છે તે લડાઇ આપણે હવે જીતવા માટે લડી રહ્યા છીએ.

પુુલવામા હુમલાને પગલે પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ પગલાંરૂપે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી કેબિનેટ બાબતોની સુરક્ષા સમિતિની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને જે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો તે પાછો ખેંચી લીધો છે. હવે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદનેે પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન એકલું અટુલું પડી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

આ ઘટના બાદ લોકોનું લોહી ઉકળી ઊઠે તે સ્વાભાવિક છે. હુમલા બાદ દેશની જે અપેક્ષાઓ છે અને કંઇક કરી બતાવવાની જે લાગણી છે તે સ્વાભાવિક છે. અમે હવે આપણા સુરક્ષાદળોને સંપૂર્ણપણે છૂટો દોર આપી દીધો છે. આપણને આપણા જવાનોના શૌર્ય તેમજ તેમની બહાદુરી પર સંપૂર્ણ વિશ્વાસ છે. મને સંપૂર્ણ ખાતરી છે કે દેશભકિતના રંગમાં રંગાયેલ લોકો સુધી સાચી જાણકારી અાપણી એજન્સીઓ પહોંચાડશે.

હવે આતંક વિરુદ્ધ આપણી લડાઇ વધુ તેજ થશે. હું આતંકી સંગઠનો અને તેમના સમર્થકોને સ્પષ્ટ કરી દેવા માગું છું કે જે લોકો અમારી ટીકા કરી રહ્યા છે તેમની ભાવનાનો પણ હું આદર કરું છું. તેમને ટીકા કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ હું મારા તમામ સાથીઓને અનુરોધ કરું છું કે અત્યારે સમય અત્યંત નાજુક અને સંવેદનશીલ છે. હવે પક્ષમાં કે વિરોધ પક્ષમાં આપણે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપથી દૂર રહીએ અને બધા સંગઠિત થઇને આતંકવાદનો મુકાબલો કરીએ. દેશ એક સાથે છે. દેશનો એક જ અવાજ છે અને આ અવાજ બુલંદ પણે વિશ્વમાં સંભળાવો જોઇએ.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આત્મઘાતી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુલવામા જિલ્લામાં શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર થયેલા આ આતંકી હુમલામાં ૩૭ જવાન શહીદ થયા છે અને અનેક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલાથી ચોંકી ઊઠેલી કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ હવે ‘એક્શન મોડ’માં આવી ગઈ છે.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમ પણ શ્રીનગર જવા રવાના થઈ ગઈ છે. એનઆઈએની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસની સંપૂર્ણ જવાબદારી સંભાળી લેશે. એનઆઈએ ઉપરાંત એનએસજીની ટીમ પણ જમ્મુ-કાશ્મીર આવી રહી છે. તેઓ રાજ્ય પોલીસ સાથે મળીને તપાસ ઓપરેશનને આગળ વધારશે.

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળનારી સીસીએસની બેઠકમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, ગૃહપ્રધાન રાજનાથસિંહ, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને નાણા પ્રધાન હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ઈમ્પ્રૂવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ એટલે કે આઈઈડી બ્લાસ્ટ દ્વારા આ હુમલાને અંજામ આપ્યો હતો.

પુલવામા આતંકી હુમલા બાદ ભાજપે આજે ‘જમ્મુ બંધ’નું એલાન આપ્યું છે. નેશનલ કોન્ફરન્સે પણ ભાજપના આ બંધને સમર્થન આપીને તેમાં સામેલ થવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના અનેક સંગઠનોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. રાજધાની દિલ્હીમાં સાંજે સાડા છ વાગ્યે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.

You might also like