વિશ્વ શાંતિ માટે પાક. તરફથી મોટો ખતરોઃ યુએનમાં ભારત

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર મુદ્દે છેડાયેલી ચર્ચા દરમિયાન ભારતે સંયુકત રાષ્ટ્ર સંઘ (યુએન)માં સજ્જડ જવાબ આપતાં જણાવ્યું હતું કે વિશ્વ શાંતિ માટે પાકિસ્તાન સૌથી મોટા ખતરા સમાન છે અને પાકિસ્તાન આતંકવાદને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતે યુએન સમક્ષ પાક.માં તૈયાર થઇ રહેલા પરમાણુ શસ્ત્રોના વિકાસ અને ઉત્પાદન તેમજ જેહાદી આતંકી સંગઠનો સાથે તેની સાઠગાંઠનો પર્દાફાશ કર્યો હતો.

ભારત વતી આ રજૂઆત સંયુકત રાષ્ટ્રસંઘમાં ભારતીય રાજદૂત વેંકટેશ વર્માએ કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ (નિઃશસ્ત્રીકરણ)માં કાશ્મીરના મુદ્દે પાકિસ્તાની રાજદૂત તહમીના જંજુઆની વાતનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ત્રાસવાદને પ્રોત્સાહન આપવાની બાબતમાં અને અણુ શસ્ત્રો વિકસાવવાના સંદર્ભમાં વિશ્વની શાંતિ સામે પાકિસ્તાન તરફથી સૌથી મોટો ખતરો છે.

તહમીના જંજુઆએ ભારતને વધુ એક વખત ઉશ્કેરતાં સંયુકત રાષ્ટ્રસંઘને જણાવ્યું હતું કે ‌દ‌િક્ષણ અેશિયામાં સુરક્ષા માહોલને ભારતની આધિપત્ય જમાવતી નીતિઓના અમલને કારણે ભારે નુુકસાન પહોંચ્યું છે. તેમણે જણાવ્યું હતું કે કાશ્મીર વિવાદ ઉકેલ્યા વગર પ્રાદેશિક શાંતિ શકય જ નથી. વેંકટેશ વર્માએ તેનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રેકર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે અણુ અપ્રસાર એજન્ડા આડે પાકિસ્તાન સૌથી મોટું અવરોધક પરિબળ છે.

You might also like