શાંતિ પ્રક્રિયામાં પાક. સરકાર અને રાજદૂતના વિરોધી સૂર

નવી દિલ્હી: ભારતમાં પાકિસ્તાન ખાતેના રાજદૂત અબ્દુલ બાસિતે જણાવ્યું છે કે ભારત સાથેની શાંતિ પ્રક્રિયા અત્યારે ‘સ્થગિત’ થઈ ગઈ છે. બીજી બાજુ પાકિસ્તાન વિદેશ ખાતાએ આનાથી ઊલટું કહ્યું છે. દિલ્હીમાં પત્રકારોને સંબોધતા અબ્દુલ બાસિતે કહ્યું કે ‘દ્વિપક્ષીય વાર્તાની પ્રક્રિયા લગભગ બંધ થઈ ગઈ છે. જેને તમે રોકાઈ ગઈ હોવાનું માની શકો છો.’ તેમણે પઠાણકોટ હુમલાની તપાસના સિલસિલામાં એનઆઈએ ટીમ પાકિસ્તાન જવાની હોવાની વાતને પણ નકારી કાઢી છે.

બીજી બાજુ, શાંતિ પ્રક્રિયાને ‘સ્થગિત’ કર્યાની બાસિતના ઉલ્લેખની થોડી મિનિટોમાં પાકિસ્તાન વિદેશ ખાતાએ મીડિયા સામે પોતાની અઠવાિડક વાતચીતમાં બિલકુલ અલગ પોઝિશન ઊભી કરી હતી. પાકિસ્તાન વિદેશ ખાતાના પ્રવકતા નફિસ ઝકરિયાએ ઈસ્લામાબાદમાં કહ્યું, વિદેશ સચિવ સ્તરની વાર્તા થશે કે નહીં ? આ પ્રશ્ને બંને દેશ એકબીજાના સંપર્કમાં છે અને તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. વાતચીતથી જ મહત્ત્વના પ્રશ્નોનો ઉકેલ મળશે.

બાસિતે ઈશારો કર્યો હતો કે પઠાણકોટ હુમલાના કેસમાં પાકિસ્તાનમાં તપાસ માટે ભારતીય ટુકડીને ભાગ્યે જ મંજૂરી મળશે. આમ કહી રાજદૂતે ભારતની આશા પર ઠંડું પાણી રેડી દીધું હતું. પાકિસ્તાન ટીમ પઠાણકોટ હુમલાની તપાસ માટે આવ્યા પછી ભારત પણ પાકિસ્તાન તપાસ ટીમ મોકલવા વિચારતું હતું.

પાક. રાજદૂતની ટિપ્પણીનો જવાબ આપતાં ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટીમે ભારતની મુલાકાત લીધી તે અગાઉ બંને પક્ષ વચ્ચે સહમતિ થઈ હતી કે આ કવાયત પારસ્પરિક સમાનતાથી આગળ વધશે. ૨૬ માર્ચના પાકિસ્તાનની ટીમે મુલાકાત લીધી હતી.

You might also like