ઉરી સેક્ટરમાં પાક. દળોનું આખી રાત ફાયરિંગ અને મોર્ટાર મારો

જમ્મુ: ગઇ કાલે જમ્મુ-કાશ્મીરના નગરોટા-સાંબામાં આતંકવાદીઓએ ડબલ એટેક કર્યા બાદ પાકિસ્તાની દળો ઉરી સેકટરમાં આખી રાત ફાયરિંગ કરતાં રહ્યાં હતાં. પાકિસ્તાની દળોએ વધુ એક વખત યુદ્ધવિરામ ભંગ કરીને એલઓસી પર ચુરુંદા, સિ‌િલકોટ અને ગ્વાલ્ટા વિસ્તારમાં આખી રાત ફાયરિંગ કર્યું હતું. ભારતીય દળોએ પણ તેઓ વળતો જવાબ આપ્યો હતો, જોકે ફાયરિંગમાં કોઇ મોટી ખુવારી થયાના અહેવાલ નથી.

લશ્કરના અધિકારીના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની દળોએ મંગળવારે આખી રાત ઉરી સેક્ટરની આસપાસ બારામુલ્લામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ દરમિયાન પાક. દળોએ સરહદ પર મોર્ટાર મારો ચલાવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર આ ફાયરિંગ આતંકીઓને ભારતીય સરહદમાં ઘુસાડવા માટે કરાયું હોવું જોઇએ.

ભારતીય દળોઅે પણ પાકિસ્તાની રેન્જરોના ગોળીબારના જવાબમાં આખી રાત વળતી કાર્યવાહી કરીનેે ગોળીબાર કર્યા હતા. પાક. દળોના ગોળીબારને કારણે સરહદી વિસ્તારમાં આતંક અને દહેશતનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાની દળો સર્જિકલ સ્ટ્રાઇક બાદ સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like