પાક.ની નાપાક હરકતો ચાલુઃ મેંઢરમાં ફરી યુદ્ધ વિરામ ભંગ

શ્રીનગર: પાકિસ્તાન હજુ પણ પોતાની નાપાક હરકતો બંધ કરવાનું નામ લેતું નથી. પાકિસ્તાન સતત યુદ્ધ વિરામ ભંગ કરી રહ્યું છે. પાકિસ્તાને સોમવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના બાલાકોટ સેકટરના મેંઢરમાં યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો. ભારતીય દળોએ પણ તેનો જડબેસલાક વળતો જવાબ આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના દ્વારા અગાઉ રાજોરી સેકટરમાં યુદ્ધ વિરામના ઉલ્લંઘનમાં ચાર ભારતીય જવાનો શહીદ થયા હતા અને એક જવાન ઘાયલ થયો હતો. આખી રાત સરહદની પેલે પારથી પુંચના બાલાકોટ અને રાજોરીની બિમ્બર ગલીમાં ફાયરિંગ ચાલુ રહ્યું હતું.

૮ ફેબ્રુઆરીની મોડી રાત્રે પાકિસ્તાન તરફથી પુંચની કૃષ્ણા ખીણ અને મેંઢર ક્ષેત્રમાં ફાયરિંગ થયું હતું. મોર્ટાર મારાના જોરદાર ધડાકાને કારણે એક મહિલાનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી ર૦૧૮માં અત્યાર સુધી ૧૬૦થી વધુ વખત યુદ્ધ વિરામ ભંગ કરવામાં આવ્યો છે, જેમાં ભારતના ૧૦થી વધુ જવાન શહીદ થયા છે અને કેટલાય નાગરિકો મૃત્યુ પામ્યાં છે.

પાકિસ્તાને ર૦૧૭માં ૮૬૦થી વધુ વાર યુદ્ધ વિરામ ભંગ કર્યો હતો અને તેમાં ૮૩ જવાન શહીદ થયા હતા. જ્યારે ર૦૧૬માં ફાયરિંગમાં ૮૮ જવાન શહીદ થયા હતા. જોકે ભારતીય દળોએ ઓપરેશન ઓલ આઉટ હાથ ધરીને ર૧૮ આતંકીનો ખાતમો બોલાવી દીધો છે.

You might also like