અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાની રાજદૂતની ઝાટકણી કાઢી

વોશિંગ્ટન : અમેરિકામાં પાકિસ્તાનનાં રાજદૂતની તેનાં વર્તનનાં કારણે ઓબામા સરકાર દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે. સુત્રો અનુસાર વ્હાઇટ હાઉસની તરફથી મોકલવામાં આવેલ એક અધિકારીક પત્રમાં ઓબામાં સરકાર દ્વારા પાકિસ્તાનનાં રાજદૂત જલીલ અબ્બાસ જિલાનીનાં બિનકૂટનીતિક વ્યવહારનાં મુદ્દે સ્પષ્ટ રીતે રોષ વ્યક્ત કર્યો છે.

અમેરિકાએ પોતાનાં પત્રમાં ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાની રાજદુતે તેનો ભરોસો તોડ્યો છે. સુત્રોએ કહ્યું કે પાકિસ્તાની રાજદુત પર્દા પાછળ કાશ્મીર મુદ્દે અને ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતનાં સભ્યપદની વિરુદ્ધ લોબીઇંગ કરી રહ્યા હતા. અમેરિકાની નજરમાં રાજદૂત જલીલનું આ વર્તન અયોગ્ય હતું. જેનાં કારણે તેની ઝાટકણી કાઢવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, એનએસજી સભ્યપદ માટે ભારતનાં પ્રયાસોને અમેરિકા દ્વારા જાહેર સમર્થન પ્રાપ્ત છે. ભુતકાળમાં અમેરિકા પાકિસ્તાનને આતંકવાદનું સમર્થન નહી આપવા અને દેશમાં ચાલી રહેલા આતંકવાદી અડ્ડાઓને બંધ કરવા માટેની સલાહ પણ આપી ચુક્યું છે. પાકિસ્તાનને અમેરિકા દ્વારા આપવામાં આવતી સહાયમાં પણ કાપ મુકવાની દરખાસ્ત મુકાઇ હતી.

જો કે અન્ય એક સમાચાર અનુસાર પાકિસ્તાની રાજદુતે અમેરિકાનાં પ્રથમ મહિલા મિશેલ ઓબામાં સાથેની પોતાની તસ્વીર પોસ્ટ કરી હતી. જેનાં કારણે અમેરિકન તંત્ર તેમનાં પર ભડક્યું હતું. હવે સાચુ ખોટું તો અમેરિકા જ જાણે પરંતુ પાકિસ્તાન આ પ્રકારની કોઇ પણ ઘટના થઇ હોવાની મનાઇ કરી રહ્યું છે.

You might also like