પાકિસ્તાનને ૧૭૪માં સમેટ્યા બાદ ઈંગ્લેન્ડની મજબૂત શરૂઆત

લંડનઃ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ અને ક્રિસ વોક્સે ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટને કારણે ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ટી ટાઇમ સુધીમાં પાકિસ્તાનને ૧૭૪ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યાર પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડે બે વિકેટે ૧૦૬ રન બનાવીને મજબૂત શરૂઆત કરી છે. પાકિસ્તાનના સ્કોરથી ઈંગ્લેન્ડ હજુ ૬૮ રન પાછળછે. કેપ્ટન જો રૂટ ૨૯ રને અને ડોમિનિક બેસ શૂન્ય રને બેટિંગ કરી રહ્યા છે.

એલેસ્ટર કૂકે ૧૦૬ બોલનો સામનો કરીને સાત ચોગ્ગાની મદદથી ૪૬ રન બનાવ્યા હતા. કૂકને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ વિકેટકીપર સરફરાઝના હાથમાં ઝિલાવી દીધો હતો. કિનટ જેનિંગ્સે ૫૭ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૨૯ રન બનાવ્યા હતા. તે ફહીમ અશરફની બોલિંગમાં સરફરાઝ દ્વારા કેચઆઉટ થયો હતો.

આ પહેલાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને એક સમયે તેણે ૭૯ રનના સ્કોર પર સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ નીચલા ક્રમના બેટ્સમેન શાદાબ ખાન (૫૬) અને હસન અલી (૨૪)એ સંઘર્ષ કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રથમ ટેસ્ટ પાકિસ્તાને જીતી લઈને શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે.

You might also like