પાક. ઉચ્ચાયોગના વધુ ૧૬ કર્મીની જાસૂસી કૌભાંડમાં સંડોવણી ખૂલી

નવી દિલ્હી: ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયોગ દ્વારા ચાલતા જાસૂસી કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ભારત દ્વારા હાંકી કઢાયેલા પાકિસ્તાની ઉચ્ચાયોગના કર્મચારી મહમૂદ અખ્તરની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે. દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓની પૂછપરછમાં અખ્તરે જણાવ્યું હતું કે દિલ્હીમાં પાકિસ્તાની ઉચ્ચાયોગના વધુ 16 કર્મચારી પણ આ જાસૂસી કૌભાંડમાં સામેલ છે.

આ અંગે મહમૂદે વધુમાં જણાવ્યુ કે બીએસએફ અને સેનાને લગતી ગુપ્ત માહિતી લીક કરાવવામાં આ લોકો વિવિધ વિસ્તાર સાથે સંકળાયેલા લોકોના સંપર્કમાં હતા. અને તેઓ તેમને સતત પૈસા પહોંચાડતા હતા. અને પૈસાના જોરે તેઓ ગુપ્ત માહિતી બહાર કઢાવતા હતા. મહમૂદના આવા ખુલાસાની તપાસ કરી એજન્સીઓ આ વાતનું સમર્થન મેળવવા પ્રયાસ કરી રહી છે. અને જો આ વાત સાચી નીકળશે તો આ અંગે આગળની કાર્યવાહી માટે પત્ર લખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે પાકિસ્તાની ઉચ્ચાયોગના કર્મચારી મહમૂદની પુછપરછ કરી હતી.પરંતુ કુટનૈતિક નિયમો હેઠળ દિલ્હી પોલીસે મહમૂદની ધરપકડ કરી ન હતી. પરંતુ તેને 48 કલાકમાં ભારત છોડીને ચાલ્યા જવા ફરમાન કરાયું હતું. આ કૌભાંડમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ થઈ ચુકી છે. જેમાં રાજસ્થાનના નાગૌરથી ત્રણ લોકો અને એક સાંસદના પીએ તરીકે કામ કરતા શખ્સની આ કેસમાં ધરપકડ થઈ ચુકી છે.

આ બાબતનો ખુલાસો દિલ્હી પોલીસે પણ કર્યો હતો. મહમૂદને ગુપ્ત દસ્તાવેજો સાથે અટકમાં લેવામાં આવ્યો હતો. જોકે તેની ધરપકડ થઈ શકે તેમ ન હોવાથી તેને પૂછપરછ બાદ છોડી દેવાયો હતો. આ કેસમાં બે પાકિસ્તાની જાસૂસને મૌલાના રમઝાન અને સુભાષ જહાંગીરની પણ ધરપકડ થઈ હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ બંને પાક. ઉચ્ચાયોગને ગુપ્ત માહિતી પૂરી પાડતા હતા. આ બંને રાજસ્થાનના નાગૌરના રહીશ છે. અને આ કૌભાંડ એક વર્ષથી ચાલતું હતું. તેમની પાસેથી ડિફેન્સને લગતા નકશા, બીએસએફના અધિકારીઓનું લિસ્ટ અને અનેક વિઝા પણ મળી આવ્યા હતા.

You might also like