પાક. દેવાળિયું બનવાના આરેઃ ભારતીય રૂપિયાથી પાક. કરન્સીની કિંમત અડધી

ઈસ્લામાબાદ: ઈદના તહેવારની પૂર્વસંધ્યાએ પાડોશી દેશ પાકિસ્તાનની આર્થિક ચિંતા ઘણી બધી વધી ગઈ છે. આર્થિક સંકટ એટલી હદે પહોંચી ગયું છું કે પાકિસ્તાન અત્યારે કંગાલિયત અને નાદારીના આરે આવીને ઊભું છે. પાકિસ્તાનની કરન્સીની વેલ્યૂ ભારતીય રૂપિયા કરતાં અડધી થઈ ગઈ છે.

આમ, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનનું અર્થતંત્ર ગંભીર સંકટમાં છે અને સાથે-સાથે તેના પર ડુંગર જેટલા દેવાનું પણ દબાણ વધી ગયું છે. આંકડાઓ અનુસાર એક અમેરિકન ડોલર સામે પાકિસ્તાની રૂપિયાની કિંમત હવે ૧૨૨ થઈ ગઈ છે. સોમવારે જ પાકિસ્તાની રૂપિયાની કિંમત ૩.૮ ટકા ગગડી ગઈ હતી એટલે કે પાકિસ્તાનની તુલના ભારત સાથે કરવામાં આવે તો ભારતની સ્થિતિ ઘણી સારી છે.

ડોલર સામે ભારતીય રૂપિયાની કિંમત અત્યારે ૬૭ છે. આમ, ભારત કરતાં પાકિસ્તાની કરન્સી રૂપિયાનું મૂલ્ય અડધું થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી મહિને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે દેશની કથળેલી આર્થિક સ્થિતિ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનશે.

અેવા પણ અહેવાલો છે કે પાકિસ્તાન ચૂંટણી બાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ) પાસેથી વધુ કરજ માગી શકે છે. દેશમાં બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી થવાની આશંકા છે. આ અગાઉ પણ ૨૦૧૩માં પાકિસ્તાને આઈએમએફ પાસે મદદ માગી હતી.

કાર્યકારી નાણાપ્રધાન શમશાદ અખ્તરે જણાવ્યું છે કે અમારે ૨૫ અબજ ડોલરની વ્યાપારખાધના અંતરને અમારા પોતાના સ્રોત દ્વારા પૂરવું પડશે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. અમારી સરકારની આ મુખ્ય ચિંતા છે. દેશની કેન્દ્રીય બેન્કે રૂપિયામાં ૩.૭ ટકાનું અવમૂલ્યન કર્યું છે.

તાજેતરના એક અહેવાલ અનુસાર પાકિસ્તાન પાસે અત્યારે ૧૦.૩ અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ રિઝર્વ છે, જે ગઈ સાલના મે મહિનામાં ૧૬.૪ અબજ ડોલર હતું.

રોઈટરના અહેવાલ અનુસાર પાકિસ્તાને ચીન અને તેની બેન્ક પાસેથી લીધેલ કરજ આ નાણાકીય વર્ષમાં પાંચ અબજ ડોલર સુધી પહોંચવાના આરે છે. પેમેન્ટ કટોકટી નિવારવા પાકિસ્તાન ચીન પાસેથી ૧-૨ અબજ ડોલરની (રૂ. ૬૮-૧૩૫ અબજ) નવી લોન લેનાર છે.

You might also like