પાક. રાજદ્વારીઓને કોલકાતા મેચ જોવા આવવા પર પ્રતિબંધ

નવી દિલ્હી: ભારત સરકારે ટી-૨૦ વિશ્વ કપ મેચ જોવા માટે પાકિસ્તાનના પાંચ રાજદ્વારીઓને કોલકાતા જતા રોકી લીધા છે. આવું પાકિસ્તાની આઈએસઆઈ અને તેની સેનાના સંબંધોને કારણે કરવામાં આવ્યું છે. આ અંગે પાકિસ્તાને ઉચ્ચ આયોગના અનુરોધને વિદેશ મંત્રાલયે ફગાવી દીધો છે.

પાકિસ્તાન પોતાના રાજદ્વારીઓને ઈડન ગાર્ડનમાં યોજાનારી મેચ જોવાની પરવાનગી મળે તેવું ઈચ્છે છે. ત્યાં ૧૯ માર્ચે પાકિસ્તાન અને ભારત વચ્ચે મેચ રમાવાની છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે પડોશી દેશના માત્ર બે રાજદ્વારીઓને કોલકાતામાં મેચ જોવાની પરવાનગી અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે ભારત આ વખત પાકિસ્તાની નાગરિકોને વીઝા આપવામાં પહેલા કરતા વધુ સાવચેતી રાખવા ઈચ્છે છે. પાકિસ્તાને દરેક મેચ માટે ત્યાં માત્ર ૨૫૦ ક્રિકેટ પ્રેમીઓને વિઝા આપવાનું નક્કી કર્યું છે. ભારતના આ ચુકાદાથી વિફરેલું પાકિસ્તાન તાત્કાલિક તેને રાજકીય રંગ આપવામાં વ્યસ્ત છે. તેણે ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમાન્ડ જે.પી. સિંહને બોલાવીને ઔપચારિક રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચ આયોગના એક અધિકારીએ જણાવ્યું કે ભારતે અમારા રાજદ્વારીઓને કોલકાતા જતા રોકી દીધા છે. આ રાજદ્વારીઓ પાકિસ્તાની ટીમનો ઉત્સાહ વધારવા માટે ઈડન ગાર્ડન જવા ઈચ્છતા હતા. યજમાન હોવા છતાં પણ ભારત પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે.

જે પાંચ રાજદ્વારીઓને કોલકતા જતા રોકાયા છે તેઓ નવી દિલ્હી સ્થિત પાક. ઉચ્ચ આયોગમાં કાર્યરત છે. વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ રાજદ્વારીઓ અંગે પાકિસ્તાની ઉચ્ચ આયોગ જાણકારી પણ આપી શક્યું નથી. કેટલાક અન્ય જાણકારોનું માનવું છે કે રાજદ્વારીઓના વેશમાં આ લોકો આઈએસઆઈએસના અધિકારીઓ છે અને તેમનું ભારત આવવું સુરક્ષા માટે ખતરો છે.

સુરક્ષાનાં કારણોથી સાવચેતી
– ટી-૨૦ વર્લ્ડ કપ દરમિયાન મેચ જોવા આવનાર પાકિસ્તાનીઓને લઈને ભારત સરકાર પહેલેથી જ સતર્ક છે.
– હંમેશાં એવું જોવા મળ્યું છે કે મેચ જોવા આવવાના નામે ભારત આવ્યા બાદ ઘણા બધા પાકિસ્તાનીઓ ગાયબ થઈ જાય છે.
– તેની પર પ્રતિબંધ લગાવવા માટે ભારતે સીમિત સંખ્યામાં પાકિસ્તાનીઓને વિઝા આપવાનો નિર્ણય લીધો છે.
– આ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓની આડમાં આતંકવાદીઓ ઘૂસી જવાની આશંકાને જોતાં પણ વિઝાની સાથે સાથે કેટલીક શરતો જોડાઈ ગઈ છે.
– વિઝા માટે આવેદન કરતી વખતે મેચની ટિકિટની સાથે યાત્રાની રિટર્ન ટિકિટ અને હોટલ બુકિંગના દસ્તાવેજ પણ આપવા પડશે.

You might also like