વતન છોડી ઓસ્ટ્રેલિયા તરફથી રમશે દિગ્ગજ અબ્દુલ કાદિરનો પુત્ર ઉસ્માન

સિડનીઃ પાકિસ્તાની ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને રાજકારણને લીધે પાકિસ્તાનના દિગ્ગજ સ્પિનર અબ્દુલ કાદિરનો પુત્ર ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી રમવાનું વિચારી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પોતાની સ્પિન બોલિંગથી પોતાની એક અલગ જ ઓળખ બનાવી ચૂકેલો ઉસ્માન કાદિર હવે પીળી જર્સીમાં રમતો જોવા મળી શકે છે.

પાકિસ્તાની પસંદગીકારો દ્વારા સતત નજરઅંદાજ થવાથી નારાજ ઉસ્માન કાદિરે ખુલાસો કર્યો છે કે તે ૨૦૨૦માં રમાનાર ટી-૨૦ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવાનું વિચારી રહ્યો છે. ઉસ્માને જણાવ્યું કે તેને વર્ષ ૨૦૧૨માં જ ઓસ્ટ્રેલિયા તરફથી નાગરિકતાની ઓફર મળી હતી, પરંતુ ત્યારે મેં ઇનકાર કરી દીધો હતો. જોકે હવે ફરીથી આ ઓફર અંગે હું વિચારી રહ્યો છું.

ઉસ્માને જણાવ્યું, ”મને ૨૦૧૨માં ઓસ્ટ્રેલિયા તરફથી નાગરિકતાથી ઓફર મળી હતી, જ્ચારે અંડર-૧૯ વર્લ્ડકપ પૂરો થયો હતો. એ સમયે મેં મારા પિતા (અબ્દુલ કાદિર)ને કારણે એ ઓફર સ્વીકારી નહોતી. એ સમયે મારા પિતાને લાગ્યું હતું કે અંડર-૧૯માં મારા સારા પ્રદર્શનને કારણે મને પાકિસ્તાનની ટીમ માટે પસંદ કરી લેવાશે અને હું મારું યોગદાન પાક. ટીમને આપી શકીશ, પરંતુ એવું થયું નહીં.”

એક પાકિસ્તાની વેબસાઇટના જણાવ્યા અનુસાર ઉસ્માને કહ્યું, ”મેં એ સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છું. ત્યાર બાદ તેઓએ મને ૨૦૧૩ના વિન્ડીઝ પ્રવાસ માટે મને પાક. ટીમમાં સામેલ કરી લીધો, પરંતુ ટીમ રવાના થાય એ પહેલાંના થોડા દિવસ અગાઉ કોઈ જ કારણ વિના મારું નામ ટીમમાંથી હટાવી દેવામાં આવ્યું.”

આ યુવા સ્પિનર હાલ સિડનીમાં ચાલી રહેલી ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટર ગ્રેડ-એ લીગમાં હોક્સબરી ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો છે, જેમાં તેણે નવ મેચમાં ત્રણ વાર પાંચ વિકેટ ઝડપવાની સાથે કુલ ૩૦ વિકેટ લીધી છે.

ઉસ્માન કાદિર પાકિસ્તાન તરફથી આઠ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે અને સાત વિકેટ ઝડપી છે. તેના નામે ૧૭ લિસ્ટ-એ મેચમાં ૧૫ વિકેટ નોંધાયેલી છે. ઓસ્ટ્રેલિયામાં ઉસ્માનને ઘણા ક્રિકેટ દિગ્ગજો પાસેથી ઘણું શીખવાનું મળી રહ્યું છે. આ દિગ્ગજોમાં જેફ લોસન અને જસ્ટિન લેન્ગરનો સમાવેશ થાય છે, જેઓ ઉસ્માનની રમતમાં નિખાર લાવ્યા છે.

જસ્ટિન લેન્ગરે તો ઉસ્માનને બિગ બેશ લીગ દરમિયાન પર્થ સ્કોચર્સ સાથે થોડા દિવસ પ્રેક્ટિસ કરવા માટે પણ કહ્યું હતું. ઉસ્માને જણાવ્યું, ”જસ્ટિન લેન્ગરે તો મને બિગ બેશની આગામી સિઝનમાં પર્થ સ્કોચર્સ તરફથી રમવાની ઓફર પણ આપી છે.”

You might also like