પાકિસ્તાનમાં ક્રિકેટ માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા કંપની સાથે ICCએ કરાર કર્યા

લાહોરઃ પાકિસ્તાનમાં ફરીથી ક્રિકેટ રમાય તે માટે આઇસીસીએ દરેક શક્ય કોશિશો શરૂ કરી દીધી છે. આઇસીસીએ પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સુરક્ષા કંપની સાથે કરાર કર્યા છે, જે પાકિસ્તાનમાં ક્રિકેટ શ્રેણી પહેલાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન નજમ સેઠીએ મીડિયાને આ અંગેની જાણકારી આપી. નજમ સેઠીએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય કંપની ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં કે સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં પાકિસ્તાન આવશે. આઇસીસીએ આ નિર્ણય પાકિસ્તાનમાં ફરીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શરૂ કરવા માટે કર્યો છે.

નજમ સેઠીએ કહ્યું, ”જે સુરક્ષા કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે તે ઘણી પ્રતિષ્ઠિત છે. કંપની ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને યુએઈમાં કામ કરે છે. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સના સભ્યો પણ સુરક્ષા કંપનીના અધિકારીઓ સાથે લાહોર આવશે અને સુરક્ષા વ્યવસ્થા નિહાળશે.”

સુરક્ષા કંપની ચાર દિવસ સુધી લાહોરમાં રોકાશે અને તે પાકિસ્તાન સરકાર સાથે કામ કરશે. નજમ સેઠીએ ખુલાસો કર્યો કે સુરક્ષા કંપનીની ટીમ દર વર્ષે શ્રેણી પહેલાં પાકિસ્તાન આવશે અને આઇસીસી આ વિદેશી કંપનીને ચાર લાખ ડોલર ચૂકવશે. આનો અર્થ એમ થયો કે ત્રણ વર્ષ માટે કંપનીને ૧૨ લાખ ડોલર ચૂકવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૯માં શ્રીલંકાની ટીમ પર થયેલા થયેલા આતંકવાદી હુમલા બાદ હવે શ્રીલંકા પહેલો એવો ક્રિકેટ રમતો મોટો દેશ છે, જે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો છે. આતંકી હુમલા બાદ મોટા ભાગના ટેસ્ટ મેચ રમતા દેશોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ હવે શ્રીલંકાની ટીમ ટી-૨૦ મેચની શ્રેણી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે.

You might also like