પાકિસ્તાનની એકેડેમીમાં પહેલી વાર શીખ ક્રિકેટર

લાહોરઃ પાછલાં ઘણાં વર્ષથી પાકિસ્તાન પોતાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મુકાબલાની યજમાની કરી શક્યું નથી. એ જ મુખ્ય કારણ છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાની રાષ્ટ્રીય ટીમમાં નવી પ્રતિભા લાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ તમામ નકારાત્મકતા અને ઊણપ છતાં અહીં ક્રિકેટે પોતાની લોકપ્રિયતા ગુમાવી નથી.

અસ્તિત્વમાં આવ્યા બાદથી પાકિસ્તાન ટીમમાં ક્રિશ્ચિયન અને હિન્દુ ખેલાડીઓએ દેશ અને વિદેશમાં પોતાની રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે, પરંતુ પહેલી વાર પાકિસ્તાની શીખે પોતાની પ્રતિભા દેખાડી અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં પોતાની હાજરી નોંધાવી છે. આ ખેલાડી છે રાઇટ આર્મ ફાસ્ટ બોલર મહીન્દરપાલસિંહ.

૨૦ વર્ષીય મહીન્દરપાલસિંહ નાનકાના સાહેબ ખાતેથી આવે છે અને તેનું કહેવું છે કે તેને પાકિસ્તાનના સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરવા બદલ ગર્વ થાય છે. તેને એ વાતની ખુશી છે કે તે પાકિસ્તાની ક્રિકેટ એકેડેમીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આ અંગે સોશિયલ મીડિયામાં એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે રાષ્ટ્રીય ટીમ તરફથી રમવા અને દેશ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સાથે જ તેણે પોતાના કોચ તેમજ પીસીબીના ચેરમેનનો આભાર માન્યો છે.

મહીન્દરપાલસિંહને પાકિસ્તાનના ટોચના ૩૦ ઊભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની ક્રિકેટના ઇતિહાસમાં અત્યાર સુધીમાં ફક્ત સાત બિનમુસ્લિમ ખેલાડી દેશનું પ્રતિનિધિત્વ કરવામાં સફળ રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે મહીન્દર પાકિસ્તાની ક્રિકેટમાં આઠમા બિનમુસ્લિમ અને પહેલો પાકિસ્તાની શીખ હોય, જે રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરે.

મહીન્દરપાલસિંહે જણાવ્યું કે, ”ટ્રેનિંગમાં મુદસ્સર નજર, મુસ્તાક અહમદે મારી પ્રશંસા કરીહતી. પીસીબીન અધ્યક્ષ શહરયાર ખાને પણ મુલતાન ક્રિકેટ એકેડેમીમાં આવીને મારી પ્રશંસા કરી હતી. શહરયાર ખાને ખુશ થઈને કહ્યું હતું-સારી વાત છે કે પાકિસ્તાન ક્રિકેટમાં કોઈ શિખ છોકરો સામે આવ્યો છે.”

મહીન્દર જણાવે છે કે તેની બોલ ફેંકવાની ઝડપ ૧૩૦ કિ.મી. આસપાસની છે, પરંતુ તેની પાસે બોલને ઇન અને આઉટ સ્વિંગ કરવાની ક્ષમતા છે, જે ફાસ્ટ બોલિંગમાં ઝડપ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે. મહીન્દર પાક.ની પંજાબ યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તેને ક્રિકેટ રમવાની પ્રેરણા પોતાના ડોક્ટર પિતા હર‌િજતસિંહ તરફથી મળી છે, જે ખુદ પણ ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે.

પાકિસ્તાન તરફથી રમેલા સાત બિનમુસ્લિમ ખેલાડી
(૧) વાલિસ મેથિયસ, (૨) યુસુફ યોહાના (મોહંમદ યુસુફ),
(૩) દાનિશ કનેરિયા, (૪) અનિલ દલપત, (૫) સોહેલ ફઝલ,
(૬) એન્ટાઓ ડિસોઝા, (૭) ડંકન શાર્પ
http://sambhaavnews.com/

You might also like