લખવીના વૉઇસ સેમ્પલની મંજુરીનો પાક. કોર્ટનો ઇનકાર

ઇસ્લામાબાદ: ઇસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાન સરકારની બે અરજીઓ ફગાવી દીધી છે. આ અરજીઓમાંથી એકમાં મુંબઈ હુમલાનાં શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ જકી-ઉર-રહમાન લખવી સહિત છ આરોપીઓનાં વૉઇસ સેમ્પલ લેવાની પરવાનગી માંગવામાં આવી હતી અને બીજી અરજીમાં ફહીમ અંસારી તથા ભારતમાં ફાંસીનાં માંચડે ચઢાવાઈ ચુકેલા અજમલ કસાબને ભાગેડુ જાહેર કરવાની અપીલ કરાઈ હતી.

જસ્ટિસ નૂરુલ હક તથા અથર મિનાઅલ્લાની બેંચે ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએસ) દ્વારા દાખલ કરવામાં આવેલી બંને અરજીઓ ફગાવી દીધી. પ્રથમ અરજીમાં લખવી સહિત છ લોકોનાં વૉઇસ સેમ્પલ લેવાની પરવાનગી આપવાની માંગણી કરાઈ હતી કે જેથી તે ભારત દ્વારા અપાયેલ નમૂનાઓથી તેને મેળવી શકે.

આ અગાઉ સપ્ટેમ્બર-૨૦૧૨માં પણ આ જ કોર્ટે આ જ આધારો પર બંને અરજીઓ ફગાવી દીધી હતી. નોંધનીય છે કે એક વખત અરજી ફગાવાયા બાદ એફઆઈએસે કેસમાં રિવાઇવલ માટે ફરીથી અરજી દાખલ કરી હતી. ફરિયાદી પક્ષે જણાવ્યું, ‘મે-૨૦૧૦માં એન્ટી ટેરરિસ્ટ કોર્ટ (એટીસી)એ શંકાસ્પદોનાં અવાજના નમૂનાઓની અરજી ફગાવી દીધી હતી. અરજીમાં કોર્ટને જાણ કરવામાં આવી હતી કે મુંબઈ હુમલાની તપાસ માટે આ નમૂના પર્યાપ્ત હતાં.

નોંધનીય છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓની વાતચીતને ઇન્ટરસેપ્ટ કરવાનો દાવો કરતા કહ્યું હતું કે પાકિસ્તાનમાં બેઠેલા હુમલાનાં માસ્ટરમાઇન્ડ હુમલાખોરોને આદેશ આપી રહ્યાં હતાં. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલ બીજી અરજીમાં કોર્ટને અપીલ કરાઈ હતી કે હુમલામાં સામેલ ફહીમ અંસારી અને અજમલ કસાબને ભાગેડુ જાહેર કરવામાં આવે કે જેથી તપાસનીશોને લીગલ ફૉર્માલિટીઝ પૂર્ણ કરવામાં સરળતા રહેશે.

નોંધનીય છે કે મુંબઈ હુમલાનાં માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તોઇબાના કમાન્ડર જકી-ઉર-રહમાન લખવી સહિત સાત લોકોની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. એટીએસ ૨૦૦૯થી તેમની વિરુદ્ઘ કેસ ચલાવી રહી છે, પરંતુ લખવીને ડિસેમ્બર-૨૦૧૪માં જામીન મળી ગયા હતાં. તેને ૧૦મી એપ્રિલ, ૨૦૧૪નાં રોડ રાવલપિંડીની અડિયાલા જેલમાંથી છોડી મૂકાયો હતો. લાહોર હાઈકોર્ટે લખવીની પુનઃ ધરપકડ કરવાનાં સરકારી આદેશને ફગાવી દીધો હતો

You might also like