યુદ્ધવિરામ ભંગની ઘટનાઓપાકિસ્તાનને જ ભારે પડે છે…

જમ્મુ-કાશ્મીરની સરહદે યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં અસાધારણ વધારો થયો છે. દિવાળી પહેલાંથી શરૂ થયેલો આ ઘટનાક્રમ સતત ઉગ્ર બનતો ગયો. તેને કારણે ભારતીય સરહદ પરનાં ગામોમાં કેટલાક નાગરિકોનાં મૃત્યુ પણ થયાં. ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાનને વળતો એવો જ જવાબ આપવાની નીતિ અપનાવી છે. ભારતીય જવાનોએ પાકિસ્તાનને એવી જ ઉગ્રતા સાથે પ્રતિસાદ આપતાં પાકિસ્તાનની ચૌદ ચોકીઓ ધ્વસ્ત કરી નાખી છે. યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં હવે માત્ર ગોળીબાર જ નથી થતા. સામસામે મોર્ટારનો મારો પણ ચલાવાય છે. તેને કારણે સરહદ પરનાં ગામોમાં લોકોને રહેવાનું મુશ્કેલ બન્યું છે. અસંખ્ય ગ્રામવાસીઓને સરહદ પરનાં લશ્કરી બંકરોમાં રહેવાની અને રાતવાસો કરવાની સુવિધા અપાઇ છે.

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં એકાએક વધારો થવાનું કારણ શું હોઇ શકે? કેટલાક લોકો તેને માટે ભારત દ્વારા ગત દિવસોમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકને કારણભૂત ગણે છે, એ વાતમાં બહુ તથ્ય નથી. એક વાતનો આપણે સ્વીકાર કરવો જોઇએ કે સર્જિકલ સ્ટ્રાઇકની ઘટના પછી પાકિસ્તાનની એકંદર ભારત વિરોધી પ્રવૃત્તિ અને હરકતોમાં વધારો થયો છે, પરંતુ સરહદ પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં વધારો થવાનું એ એકમાત્ર કારણ નથી. યુદ્ધવિરામનો અવારનવાર ભંગ કરવો એ પાકિસ્તાનની કાયમી નીતિ રહી છે. આવી પ્રવૃત્તિમાં ક્યારેક વધારો થાય છે તો ક્યારેક ધીમી ગતિએ ચાલે છે.

પાકિસ્તાનની આ હરકતનું કારણ ભારતીય સરહદમાં ત્રાસવાદીઓને પ્રવેશ કરાવવા માટેનું હોય છે. લશ્કરી ભાષામાં તેને કવર-ફાયરિંગ કહે છે. આવા કવર-ફાયરિંગને કારણે ભારતીય સૈનિકો એ દિશામાં સતર્ક બને એટલે બીજી બાજુ ત્રાસવાદીઓને ભારતીય સરહદમાં આસાનીથી ઘુસાડી દેવાય છે. પાકિસ્તાનની આ ચાલબાજી નવી નથી અને એનું કોઇ રહસ્ય પણ હવે રહ્યું નથી. ભારતીય સૈન્ય આ બાબતથી સારી રીતે વાકેફ છે. નવેમ્બર-ડિસેમ્બરના મહિનાઓમાં આ પ્રવૃત્તિમાં કાયમ વધારો થતો રહ્યો છે. ગરમીની મોસમ પૂરી થાય અને ઠંડીના દિવસો શરૂ થાય, કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થાય એ પહેલાં વધુમાં વધુ ત્રાસવાદીઓને સરહદ પાર કરાવવાનો પ્રયાસ આ દિવસોમાં કરવામાં આવે છે. આવા જ પ્રયાસના ભાગરૂપે યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં પણ ઉગ્રતા આવે છે.

અગાઉનાં વર્ષોની આવી ઘટનાઓ અને હવેની આ ઘટનાઓમાં તફાવત એ છે કે અત્યાર સુધી ભારત દ્વારા પાકિસ્તાનને યુદ્ધવિરામ ભંગનો વળતો એવો જ જડબાંતોડ જવાબ આપવામાં આવતો ન હતો. હવે આ નીતિમાં બદલાવ કરાયો છે. હવે પાકિસ્તાનના યુદ્ધવિરામ ભંગની ઘટનાની ઉપેક્ષા કરવામાં આવતી નથી. અગાઉ યુદ્ધવિરામ ભંગની ઘટનાનો ભારત દ્વારા કોઇ જવાબ અપાતો ન હતો. પાકિસ્તાનની આવી હરકતો છતાં ભારત તેના પર મહેરબાન રહેતું હતું. ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો એ ભારતની મહેરબાનીનું જ ઉદાહરણ છે. આવી કૃપા દર્શાવવાનું કોઇ કારણ ન હતું. હવે ભારત સરકારની પાકિસ્તાન પ્રત્યેની સર્વતોમુખી નીતિમાં બદલાવ આવ્યો છે. હવે ભારત સિંધુ જળ સમજૂતીની પણ સમીક્ષા કરવા તત્પર બન્યું છે.

હવે ભારતે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્યના અત્યાચાર અને માનવાધિકાર ભંગની ઘટનાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવી પાકિસ્તાનની દુખતી નસ દબાવી છે, ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મુદ્દો પણ ઉઠાવાયો છે. આજે પાકિસ્તાનને સરહદ પર તેની તમામ હરકતોનો એવો જ જવાબ અપાય છે. ભારતમાં જાસૂસી કરતાં પાકિસ્તાની દૂતાવાસનો કર્મચારી પકડાયા પછી જાસૂસીના એક નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ ઘટનાને પગલે પાકિસ્તાની દૂતાવાસના કર્મચારીઓ પર નજર રાખવાનું અનિવાર્ય બન્યું છે. ભારતમાં પાકિસ્તાની દૂતાવાસના કર્મચારીઓને જે સુવિધાઓ અને સ્વતંત્રતા મળે છે એવી છૂટછાટ પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનના કર્મચારીઓને મળતી નથી એવી વાત પાકિસ્તાન ખાતેના ભારતના એક પૂર્વ રાજદૂતે જ કરી છે. ભારતમાં ત્રાસવાદી હુમલા સહિતની પાકિસ્તાનની તમામ ભારતવિરોધી હરકતો સહન કરવાના દિવસો ખતમ થયા છે. પાકિસ્તાનને હવે તેની તમામ હરકતો સામે એવા જ પ્રહાર કરીને તેને ચોટ પહોંચાડવામાં આવે એ જરૂરી છે. પાકિસ્તાનનાં અડપલાં વર્ષો સુધી સહન કરતા રહેવાથી ભારતની ઇમેજ બહુ ખરાબ બની છે. પાકિસ્તાનને જવાબ મળતો થયો છે એ મોટું પરિવર્તન છે અને પ્રત્યક્ષ યુદ્ધ કરતાં પણ આ નીતિ વધુ કારગર નિવડવાની શક્યતા છે.

You might also like