હાફિઝ સઈદનાં ૪૪ હથિયારનાં લાઈસન્સ રદ કરવામાં આવ્યાં

લાહોર: પાકિસ્તાને ૨૬/૧૧ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદ સામે કડક વલણ દાખવ્યું છે. પાકિસ્તાન સરકારે હાફિઝ સઈદને ઈશ્યૂ કરેલ ૪૪ હથિયાર માટેનાં લાઈસન્સ રદ કરી દીધાં છે. આ લાઈસન્સ હાફિઝ સઈદ અને તેના સાગરીતનાં નામે હતાં. સરકારે સુરક્ષા કારણોને ટાંકીને આ કડક કાર્યવાહી કરી છે. પંજાબ પ્રાંતના ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે હાફિઝ સઈદનાં આતંકી સંગઠનો જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત વિરુદ્ધ કાર્યવાહીનો આ એક ભાગ છે.

પંજાબ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર જમાત અને ફલાહ એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. જે દેશની શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ છે. બંને સંગઠન પર છ મહિના સુધી વોચ રાખવાના આદેશો જારી કરાયા છે. પાકિસ્તાન સરકારે ૩૦ જાન્યુઆરીના રોજ હાફિઝ સઈદ અને જમાત-ઉદ દાવાના ચાર અન્ય નેતાઓને લાહોરમાં ૯૦ દિવસ માટે નજરકેદ કરવાના આદેશ જારી કર્યા હતા.

હાફિઝ સઈદ અને તેના સંગઠનો જમાત અને ફલાહ સાથે સંકળાયેલા ૩૭ સભ્યોને એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટ હેઠળ રાખવામાં આવ્યા છે. આ પ્રતિબંધને લઈને આ લોકો હવે પાકિસ્તાન છોડીને બીજા દેશમાં જઈ શકશે નહીં.
http://sambhaavnews.com/

You might also like