પાકિસ્તાને અમેરિકન રાજદ્વારીને બંધક બનાવી દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો

ઈસ્લામાબાદ: આજ કાલ અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો દિન પ્રતિદિન વણસી રહ્યા છે. બંને દેશ વચ્ચે રાજદ્વારી વિવાદ વધી ગયો છે. પાકિસ્તાને અમેરિકાના એક રાજદૂતને બંધક બનાવી દીધા છે. પાકિસ્તાને પહેલાં તો આ રાજદૂતને અમેરિકાના આર્મી પ્લેન દ્વારા સ્વદેશ પરત દીધા નહીં અને હવે આ રાજદૂતને અમેરિકન દૂતાવાસમાં એકાંતમાં રાખવામાં આવ્યા છે અને બંને બાજુ તાળાં મારી દેવામાં આવ્યાં છે.

પાકિસ્તાને માર્ગ અકસ્માતના આરોપી એવા અમેરિકન રાજદૂતને દેશ છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાની અધિકારીના જણાવ્યા પ્રમાણે અમેરિકાએ પોતાના રાજદ્વારી કર્નલ જોસેફ, ઈમાનુએલને લેવા માટે વિમાન મોકલ્યું હતું, પરંતુ પાકિસ્તાની પ્રશાસને તેમને દેશ છોડવા માટે મંજૂરી આપી નથી.

સુરક્ષા એજન્સીઓએ તેમને અટકાયતમાં લઈને પૂછપરછ કરી દીધી છે. તેમના પર એવો આક્ષેપ છે કે ૭ એપ્રિલના રોજ તેમણે નશો કરીને પોતાની કારમાં સિગ્નલ તોડીને એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં યુવાનનું મોત થયું હતું.

પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર સીસીટીવીમાં જોસેફ ઈમાનુએલ એક સફેદ રંગની કાર ચલાવતા નજરે પડે છે જેમાં તેમણે સિગ્નલ તોડીને એક બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ યુવાનો ઘાયલ થયા હતા. જેમાં પાછળથી એક યુવાનનું મોત થયું હતું. આથી ઈમાનુએલ વિરુદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કટ્ટરવાદી પાકિસ્તાનીઓની માગણી છે કે આ રાજદૂત સામે ઈસ્લામાબાદમાં જ કેસ ચાલે. શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાની પ્રશાસન વચ્ચે આ મુદ્દે સંમતિ સધાઈ હતી અને રાજદૂતને લેવા માટે સી-૧૩૦ મિલિટરી પ્લેન અફઘાનિસ્તાનના બગરામ એરફોર્સ બેઝથી રાવલપિંડીના નૂરખાન એરબેઝ પર ઉતારવામાં આવ્યું હતું. આ વાત મીડિયામાં લીક થઈ જતાં તેમને પાકિસ્તાની સત્તાવાળાઓએ દેશ છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

You might also like