પાકિસ્તાનમાં જન્મેલી પત્નીને દુબઈથી ભારત લાવવા મુંબઈનો યુવક હેરાન-પરેશાન

મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી કોઈ વ્યક્તિની પર્સનલ જિંદગીમાં પણ પ્રવેશી ચૂકી છે. દુબઈ સ્થિત ૩૩ વર્ષીય ભારતીય નાગરિક ભાવિન રાજેન્દ્ર ચંદ્રપોટાઅે પાકિસ્તાનમાં જન્મેલી કોમલ વિઠ્ઠલ ભાટિયા સાથે લગ્ન કર્યાં ત્યારે તેને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે અાગળ જતાં અા બાબત કઠિન બની જશે. તે સમયે તો તેના પ્રેમને વધાવી લેવામાં અાવ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ અેટલી સરળ રહી નથી.

અા દંપતી દુબઈમાં મળ્યું હતું અને ત્યાં જ રહેતું હતું, પરંતુ ફેબ્રુઅારી મહિનામાં ભારતમાં યોજાનારાં લગ્ન માટે ભાવિન તેની પત્ની કોમલની સ્પોન્સર‌િશપ મેળવી શક્યો નથી. સિંધી કોમના ભાવિન અને કોમલનાં લગ્ન ૨૦૧૪ની ૧૦ અોગસ્ટે મુંબઈમાં થયાં હતાં. અા સમયે કોમલ ભાટિયાઅે સ્પોન્સર‌િશપ સર્ટિફિકેટ સાથે દુબઈ સ્થિત ભારતીય અેલચી કચેરીમાં વિઝા માટે અરજી કરી હતી અને ભારતમાં પ્રવેશી હતી.

હાલમાં દુબઈમાં રહેતા અને કાંદિવલીમાં પોતાનું ઘર ધરાવતા ભાવિનને લગ્નમાં હાજરી અાપવા વિઝા મેળવવા તેના મામાઅે સ્પોન્સર‌િશપ લેટર રજૂ કર્યો હતો, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધોના લીધે ભાવિન અા લેટરને ક્લાસ-વન કે ગ્રૂપ-અે કેટેગરીના ગેઝેટેડ અોફિસર પાસે અેટેસ્ટ કરાવી શકતો નથી.

ભાવિન કહે છે કે હું ૨૧ નવેમ્બરે મુંબઈ અાવ્યો છું અને ગેઝેટેડ અોફિસર પાસેથી અેટેસ્ટેશન મેળવવાના પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ કોઈ પણ વ્યક્તિ અા ફોર્મ પર સહી કરવા તૈયાર નથી. હું મંત્રાલય અને અન્ય સરકારી અોફિસના ધક્કા પણ ખાઈ ચૂક્યો છું, પરંતુ કોઈ સહી કરી અાપતું નથી.

મને લાગે છે કે મારે ખાલી હાથે દુબઈ પાછા પરત ફરવું પડશે અને મારી પત્ની લગ્નમાં હાજરી નહીં અાપી શકે. ભાવિને છેલ્લા પ્રયાસરૂપે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. ભાવિનના વકીલ રૂસિલ મહેતાઅે કહ્યું કે અમારી પાસે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. અમે બોમ્બે હાઈકોર્ટની મદદ મળે તેવો પ્રયાસ કરી રહ્યા છીઅે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના બગડેલા સંબંધોના કારણે કોઈ પણ વ્યક્તિ પાકિસ્તાની નાગરિક માટે અેટેસ્ટેશન લેવાનું જોખમ ઉઠાવતું નથી.
http://sambhaavnews.com/

You might also like