પાકિસ્તાને ૨૦૦થી વધુ ભારતીય જવાનોના મોબાઈલ ફોન હેક કર્યા

નવી દિલ્હીઃ દેશના લશ્કર અને અર્ધલશ્કરી દળોના ૨૦૦થી વધુ અધિકારીઓનો પાકિસ્તાન ભારતની વિરુદ્ધ હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાને આ જવાનોના મોબાઈલ ફોન હેક કરી લીધા છે. એક અગ્રણી હિન્દી ચેનલ દ્વારા ભારતીય સૈનિકોના મોબાઇલ ફોન હેક કરવાના અહેવાલો પ્રસારિત થયા બાદ સંરક્ષણ મંત્રાલયમાં ખળભળાટ મચી ગયો છે. ન્યૂઝ ચેનલના ‘ઓપરેશન પાકિસ્તાન’ના પગલે ગૂગલ પ્લે સ્ટોરને સ્મેશ એપ નામની આ એપ્લિકેશન હટાવવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે આ એપ દ્વારા જ પાકિસ્તાની હેકર્સ ભારતીય સેનાના ટોચના અધિકારીઓના ફોન ટેપ કરી રહ્યા હતા.

ભારતીય સૈનિકો અને અર્ધ લશ્કરી દળોના ૨૦૦થી વધુ અધિકારીઓના મોબાઈલ ફોનમાં રહેલી દરેક જાણકારી પાકિસ્તાનને મળી રહી છે. તેનો અર્થ એ થાય છે કે આતંકવાદીઓ લશ્કરની દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. તેમને લશ્કરનાં દરેક કાર્યની જાણકારી મળી રહી છે અને તે પણ આપણા જ જવાનોના મોબાઈલમાંથી. પાકિસ્તાનના કરાંચીમાંથી ભારતીય આર્મી અને સુરક્ષા બળોના અધિકારીઓના ફોન હેક થવાની વાત ખરેખર ચોંકાવનારી છે.

You might also like