અમદાવાદમાં રમાનારા કબડ્ડી વર્લ્ડકપમાંથી પાકિસ્તાન ટીમની કરાઇ બાદબાકી

નવી દિલ્હી : આ અઠવાડીયાથી કબડ્ડીનો વર્લ્ડકપ ભારતમાં શરૂ થઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં 12 દેશ ભાગ લઇ રહ્યાં છે, પરંતુ પાકિસ્તાનના કબડ્ડીના વર્લ્ડકપમાં રમવા પર મનાઇ ફરમાવામાં આવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેણા તણાવને ધ્યાનમાં રાખતા આંતરરાષ્ટ્રીય કબડ્ડી સંઘ (IKF) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કબડ્ડી સંઘના આ નિર્ણય પર નારાજગી દર્શાવતા પાકિસ્તાને કહ્યું કે અમારી સાથે ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા જણાવામાં આવ્યું કે બંને દેશો વચ્ચે જો તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો બંને દેશને ટૂર્નામેન્ટમાંથી બહાર કાઢવું જોઇએ.

પાકિસ્તાનનું કહેવું છે કે જેમ બ્રાઝિલની ટીમ વિના ફુટબોલ વર્લ્ડ કપ શક્ય નથી તેમ કબડ્ડીનો વિશ્વકપ તેમની ટીમ વિના અધુરો છે. આઇકેએફના અધ્યક્ષ દેવરાજ ચતુર્વેદીએ જણાવ્યું કે પાકિસ્તાન સાથે હાલમાં રમતનો સમય અનુકૂળ ન હોવાથી તેને ટૂર્નામેન્ટમાંથી દૂર રાખવામાં આવ્યું છે. પાકિસ્તાનની કબડ્ડી ટીમના સુકાની નાસિર અલીએ જણાવ્યું કે તેને આશા હતી કે તેઓ ભારતની ટીમને ફાઇનલમાં હરાવી કબડ્ડીનો વર્લ્ડકપ જીત્યા હોત.

You might also like