ઓસી.એ ૫૩૮ રન ખડકીને ઇનિંગ્સ ડિકલેર કરીઃ પાકિસ્તાનની કંગાળ શરૂઆત

સિડનીઃ ઓસ્ટ્રેલિયા- પાકિસ્તાન વચ્ચે શ્રેણીની અંતિમ ટેસ્ટમાં ગઈ કાલે રેઇનશો ૧૬૫ રને અને હેન્ડ્સકોમ્બ ૪૦ રને અણનમ રહ્યા હતા. આજે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની ઇનિંગ્સ આઠ વિકેટે ૫૩૮ રન ખડકીને ડિકલેર કરી દીધી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી આજે હેન્ડ્સકોમ્બે પણ સદી (૧૧૦) ફટકારી હતી.

પોતાનો દાવ આગળ ધપાવતા ઓસ્ટ્રેલિયાએ આજે ચોથી વિકેટના રૂપમાં કુલ ૩૮૬ રનના સ્કોર પર રેઇનશોને ગુમાવ્યો હતો. તે ૨૯૩ બોલમાં ૨૦ ચોગ્ગા સાથે ૧૮૪ રન બનાવી આઉટ થઈ ગયો હતો. જોકે બીજા છેડે હેન્ડ્સકોમ્બે શાનદાર રમત રમવાનું ચાલુ રાખ્યું હતું. પાંચમી વિકેટ કુલ ૪૭૭ રનના સ્કોર પર કાર્ટરાઇટના રૂપમાં પડી હતી. કાર્ટરાઇટ ૩૭ રન બનાવી ઇમરાન ખાનની બોલિંગમાં બોલ્ડ થયો હતો. ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ કુલ ૫૧૬ રનના સ્કોર પડી હતી. હેન્ડ્સકોમ છેવટે ૨૦૫ બોલમાં નવ ચોગ્ગા સાથે ૧૧૦ રન બનાવી વહાબની બોલિંગમાં હિટવિકેટ આઉટ થયો હતો. મેથ્યુ વેડ ૨૯ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે કુલ ૫૩૮ રનના સ્કોર પર ઓસ્ટ્રેલિયાની આઠમી વિકેટ સ્ટાર્ક (૧૬)ના રૂપમાં પડતાં કેપ્ટન સ્મિથે આઠ વિકેટે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી.

જેના જવાબમાં પાકિસ્તાનની શરૂઆત બહુ જ કંગાળ રહી હતી. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે ૧૬ રન છે. અઝહર અલી ૧૨ રને અને યુનિસ ખાન શૂન્ય રને બેટિંગ કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like