પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદની ધરપકડ કરેઃ અમેરિકા

નવી દિલ્હી: આતંકવાદી હાફિઝ સઈદને પાકિસ્તાન સરકારે નજરકેદમાંથી મુકત કરી દેતાં અમેરિકાએ નારાજગી વ્યકત કરતાં પાકિસ્તાનને હાફિઝ સઈદની ધરપકડ કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને કેસ ચલાવવા ટકોર કરી છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના પ્રવકતા હેથર નોર્ટે પાકિસ્તાન સરકારના આ નિર્ણયની ઝાટકણી કાઢતાં જણાવ્યું છે કે હાફિઝને વૈશ્વિક આંતકી જાહેર કરાયો છે અને તે અનેક વખત આતંકી હુમલા કરાવી ચૂક્યો છે, જેમાં કેટલાક અમેરિકાના નાગરિકો પણ માર્યા ગયા છે ત્યારે પાકિસ્તાન સરકારે તેને છોડી દેતાં અમેરિકા પણ આ બાબતથી ચિંતિત છે. તેમણે મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ૨૦૦૮માં ભારતમાં થયેલા હુમલામાં છ એમિરકન નાગરિક પણ માર્યા ગયા હતા. તેથી પાકિસ્તાન સરકાર હાફિઝની ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ દાખલ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદને છોડી દીધો હતો. ત્યારબાદ પાક.સરકારે આ ઘટનાના મીડિયા કવરેજ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં લાહોરમાં ગઈ કાલે હાફિઝે જે સંબોધન કર્યું હતું તેનું કવરેજ નહિ કરવા દેવા સરકારે આદેશ આપ્યો હતો.

જોકે પાકિસ્તાન સરકારે હાફિઝને મુકત કરી દેતાં ભારત સહિત વિશ્વના અનેક દેશોએ પાકિસ્તાનના આ નિર્ણય સામે વિરોધ કર્યો છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાન સરકાર હાફિઝ સઈદના કારણે વિશ્વમાં તેની બદનામી ન થાય તે માટેના પ્રયાસ કરી રહી છે. ગઈ કાલે જેલમાંથી બહાર આવતાં જ હાફિઝે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું હતું અને તેણે જણાવ્યું હતું કે હું ખૂબ ખુશ છુ કે મારી સામે કોઈ આરોપ સાબિત થયા નથી અને લાહોર હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોએ મારી મુકિતનો આદેશ આપ્યો છે. ભારતે મારી સામે પાયાવિહોણા આક્ષેપ કર્યા છે.

You might also like