પાકિસ્તાની સેનાએ જાધવનાં કથિત કબુલનામાનો વીડિયો બહાર પાડ્યો

ઇસ્લામાબાદ : કથિત જાસુસીનાં આરોપમાં ફાંસીની સજા અપાઇ ચુકી છે તેવા ભારતીય નૌસેનાનાં પુર્વ અધિકારી કુલભૂષણ જાધવ તરફથી પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર બાજવાની સામે દયા અરજી દાખલ કરવામાં આવી છે. પાકિસ્તાનનાં ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સએ ગુરૂવારે દાવો કર્યો હતો. બીજી તરફ પાકિસ્તાની સેનાએ જાધવનાં કથિત કબુલનામા અંગેનો એક બીજો વીડિયો બહાર પાડ્યો છે.

ISPRનાં પ્રવક્તા મેજર આસિફ ગફૂરે ગુરૂવારે ફેસબુક પર પોસ્ટ કરી જાધવની દયા અરજી અંગે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે જાધવે પાકિસ્તાનનાં ચીફ ઓફ આર્મી સ્ટાફને દયા અરજી માટે અરજી કરી છે. ગફુરે તેમ પણ જણાવ્યું કે જાધવની દયા અરજીને પાકિસ્તાનની સૈન્ય અપીલીય કોર્ટ ફગાવી ચુકી છે. તેમણે જાધવનાં કથિક કબુલનામાનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. કથિત કબુલનામાનો વીડિયો 10 મિનિટ 10 સેકન્ડનો છે જેને એડીટ કરવામાં આવ્યો છે. વીડિયોનાં શૂટિંગમાં એકથઈ વધારે કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વીડિયોની શરૂઆતમાં જણાવાયું છે કે તેને એપ્રીલ 2017માં શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં જાધવને તેમ કહેતા સંભળાયા છે કે તેમણે 2005 અને 2006માં બે વખત કરાચીની મુલાકાત લીધી હતી. વીડિયોમાં જાધવ તેમ કહેતા સંભળાય છે કે ભારતીય ગુપ્તચર એજન્સીએ પહેલા જ 2014માં મોદી સરકાર આવવાનો અંદાજ આવી ગયો હતો, ત્યાર બાદ તેને રોમાં ફરી સમાવવામાં આવ્યા. જાધવ વીડિયોમાં તેવું પણ સ્વિકારે છે કે તેને પાકિસ્તાનમાં જાસુસી અને ગડબડની જવાબદારી સોંપવામાં આવી હતી.

You might also like