અણબનાવનાં સમાચાર શરીફે લીક કર્યા હોવાની પાક.સેનાને આશંકા

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક બાદ નવાઝ શરીફ ભલે સેનાની સાથે અણબનાવનાં અહેવાલો ફગાવતા હોય પરંતુ સેના અને સરકાર બંન્ને વચ્ચેની તિરાડ સ્પષ્ટ જોઇ શકાય છે. સેનાધ્યક્ષ રાહીલ શરીફે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેઓએ સેના અને સરકાર વચ્ચેની બબાલ માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. પરોક્ષ રીતે તેઓએ નવાઝ શરીફને જ જવાબદાર ઠેરવ્યા હતા.

રાહીલ શરીફની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આતંકવાદને પહોંચવાના મુદ્દે દેશના સૈન્ય અને અસૈન્ય નેતૃત્વ વચ્ચે વિવાદનાં સમાચાર લીક થવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે આ સમાચાર છાપનાર પાકિસ્તાની અખબાર ડોનનાં રિપોર્ટરને દેશની બહાર જવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

સેના પ્રમુખ જનરલ રાહીલ શરીફે રાવલપિંડી જનરલ હેડક્વાર્ટરમાં થયેલી કોર કમાન્ડર કોન્ફરન્સની આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. સેનાનાં એક નિવેદનમાં કહ્યું કે પ્રતિભાગીઓએ વડાપ્રધાનનાં ઘરે યોજાયેલી એક મહત્વની સુરક્ષા બેઠકમાં નકલી અને મનઘડંત સમાચાર આપવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ આને રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

સૌથી મહત્વની બાબત છે કે, સેાનાનાં આ નિવેદનમાં લીક અને રાષ્ટ્રીય સુરક્ષાનાં ઉલ્લંઘન જેવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો. આ નિવેદનનો અર્થ એ થાય છે કે પાકિસ્તાની સેના, નવાઝની અધ્યક્ષતામાં થયેલી આ ગુપ્ત બેઠકનાં સમાચાર ડોન લીક કરવા માટે સ્પષ્ટ રીતે સરકારને જવાબદાર માને છે.

You might also like