પાક.ને સહાયકાપના બે સુધારા પ્રસ્તાવ અમેરિકન ગૃહમાં ફગાવાયા

વોશિંગ્ટન: અમેરિકા તરફથી પાકિસ્તાનને કરવામાં આવતી મદદમાં કાપ મૂકવાના બે વૈધાનિક સુધારા પ્રસ્તાવ અમેરિકન પ્રતિનિધિ સભામાં ફગાવી દેવાયા છે. કારણ કે મોટા ભાગના સાંસદોએ જણાવ્યું છે કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ એ‍વા દેશ (પાકિસ્તાન) સાથે સંબંધો જાળવવા જરૂરી છે, પછી ભલે આ દેશ આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં કંઈ કાર્યવાહી કરી રહ્યો ન હોય.

અમેરિકન ગૃહમાં ફગાવી દેવામાં આવનાર પ્રથમ સુધારો કોંગ્રેસના સભ્ય ટેડ પો દ્વારા રજૂ કરાયો હતો, તેમાં તેમણે ગઠબંધન, સહયોગ ભંડોળ (સીએસએફ)માંથી પાકિસ્તાનને આપવામાં આવનાર ૯૦ કરોડ ડોલરની સહાયમાં કાપ મૂકીને ૭૦ કરોડ ડોલર કરવાની માગણી કરી હતી. આ સુધારો સંસદના ફ્લોર પર ૧૯૧-૨૩૦ વોટના અંતરથી ફગાવાયો હતો.

બીજો સુધારો અમેરિકન કોંગ્રેસના સભ્ય ડાના રોહરાબચરનો હતો, જેમાં પાકિસ્તાનને મદદ ઉપલબ્ધ કરાવવા ભંડોળનો ઉપયોગ નહીં કરવાની માગણી કરી હતી. આ સુધારો પણ ૮૪-૨૩૬ વોટના અંતરથી રદ થયો હતો. પાકિસ્તાન દ્વારા ત્રાસવાદ સામેના યુદ્ધમાં અયોગ્ય વલણ દાખવવાની દલીલ રજૂ કરીને ટેડ પોએ જણાવ્યું હતું કે જો મારું ચાલે તો હું પાકિસ્તાનને આપવાની થતી બધી નાણાં સહાય રોકી દઉંં.

તેમને એવો આક્ષેપ કર્યો હતો કે મિસ્ટર સ્પીકર, તેની પાછળનું એક કારણ છે. પાકિસ્તાનીઓએ ઓસામા બિન લાદેનને છુપાવ્યો હતો અને આપણે પાકિસ્તાનની અંદર જઈને લાદેનને મારવો પડ્યો હતો. પાકિસ્તાને લાદેનને છુપાવ્યો હતો તે વાત જગજાહેર છે.

You might also like