પુંચ-રાજૌરી જિલ્લામાં પાક.નો યુદ્ધ વિરામ ભંગઃ સેનાનો જવાન શહીદ

જમ્મુ: પાકિસ્તાની સૈનિકોએ ફરી એક વખત રાજૌરી અને પુંચ જિલ્લામાં યુદ્ધ વિરામ ભંગ કરી આડેધડ ફાયરિંગ કરતાં તેમાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થઈ ગયો છે.

આ અંગે પ્રવકતાએ જણાવ્યું હતું કે પુંચ જિલ્લાના કૃષ્ણા ખીણ સેકટરમાં ગઈ કાલે સાંજે થયેલા ફાયરિંગમાં નાયક થોરાટ કિરણ પોપટરાવ(ઉ.વ. ૩૧)ને ગંભીર ઈજા થયા બાદ થોડા સમયમાં જ તેનુ મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગત સોમવારે પણ ભારે ગોળીબારમાં બે જવાન રાઈફલમેન વિનોદસિંહ અને જાકી શર્મા શહિદ થઈ ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની સૈનિકોએ રાજૌરીના નૌશેરા સેકટરમાં બપોરે બે વાગે અને પુંચ જિલ્લાની કૃષ્ણા ખીણ સેકટરમાં સાંજે પોણા પાંચ વાગે એલઓસી પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે ભારતીય સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.

આ દરમિયાન પાક. સૈનિકોએ નાનાં હથિયારો અને મોર્ટારથી હુમલો કર્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.

You might also like