પઠાણકોટ હુમલાનો બદલો લેવા ભારતીય હેકર્સે પાકિસ્તાન સરકારની 20 સાઇટ્સ હેક કરી

નવી દિલ્હી: તાજેતરમાં જ પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકી હુમલામાં દેશના સાત જવાન શહીદ થયા છે. આ ઘટનાને કારણે સમગ્ર દેશવાસીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે. આ હુમલાને વખોડી ફેંકવા ઇચ્છતાં લોકોએ તેની સીધી શરૂઆત કરી દીધી છે. આ હુમલા બાદ ભારતના કેટલાક હેકર્સે પાકિસ્તાન સરકારની 20 જેટલી વેબસાઇટ્સ હેક કરી નાંખી છે. જોકે પાકિસ્તાન તરફથી આ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર પાકિસ્તાન સાયબર ટેરિટરીમાં છેલ્લા ત્રણ દિવસથી સાયબર હુમલાઓ વધી ગયા છે. સાઇબર ક્રાઇમ એક્સપર્ટે જણાવ્યું કે ભારતના કેટલાક હેકર્સ ગ્રુપ પઠાણકોટ આતંકી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાનની વેબાસઇટ્સ હેક કરવાનું કામ કરી રહ્યાં છે.

હેકર્સે માત્ર પાકિસ્તાન સરકારની જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર ચાલતાં લશ્કર-એ-તોયબા, સિમી, ઇન્ડિયન મુઝાહિદ્દીન અને જમાત-ઉદ-દાવા જેવા આતંકવાદી સંગઠનોને પણ નિશાન બનાવ્યા છે. ભારતીય હેકર્સ આવા આતંકી સંગઠનોની સાઇટ્સના પ્રોફાઇલને બ્લોક કરી રહ્યાં છે. હેકર્સ દ્વારા જેટલી પણ વેબસાઇટ્સ હેક કરવામાં આવી છે તેની પ્રોફાઇલ પર ભારતીય ત્રિરંગો મુકી દીધો છે અને દેશભક્તિના ગીતો નાંખ્યા છે.

You might also like