કાશ્મીરમાં પાકિસ્તાની અને સાઉદી ચેનલો યુવાનોને ભડકાવી રહી છે

શ્રીનગર:કાશ્મીરમાં અવિરત હિંસા અને પથ્થરબાજી પાછળ પાકિસ્તાન અને સાઉદી અરેબિયાનો હાથ હોવાનું બહાર આવ્યું છે. અહેવાલો અનુસાર સાઉદી અરેબિયાના કેટલાક મૌલાના અને પાકિસ્તાની મીડિયાના લોકો કાશ્મીરની પ્રજા સાથે સતત સંપર્કમાં છે. કાશ્મીરમાં પ્રાઇવેટ કેબલ નેટવર્ક ચલાવતા લોકો પાકિસ્તાનની પ૦થી વધુ ચેનલો પ્રસારિત કરી રહ્યા છે. તેનાથી વધુ આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં પ્રતિબંધિત ઝા‌િકર નાઇકની પીસ ટીવી ચેનલ પણ કાશ્મીરમાં પ્રસારિત કરાઇ રહી છે.

સાઉદી અરેબિયાના મોલવીઓ અને પાકિસ્તાનના ન્યૂઝ એન્કર્સની કાશ્મીરીઓ સુ‌ધી સીધી પહોંચ છે. કાશ્મીર ખીણમાં પથ્થરબાજી અને હિંસા ભડકાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા છે. કાશ્મીરમાં પ્રાઇવેટ કેબલ નેટવર્ક દ્વારા સાઉદી અને પાકિસ્તાનની પ૦થી વધુ ચેનલો ચાલે છે. આ માટે કોઇ મંજૂરી લેવામાં આવતી નથી. બધું પીડીપી-ભાજપ સરકારની નજર તળે ચાલી રહ્યું છે.

કેટલાંક સ્થળોએ તો આ કેબલ ઓપરેટરોની ઓફિસો સરકારી ઇમારતોમાં છે. કાશ્મીરમાં સેેટેલાઇટ સર્વિસ પ્રોવાઇડર્સ હોવા છતાં મોટા ભાગના લોકો પ્રાઇવેટ કેબલને પ્રાથમિકતા આપે છે. એક કેબલ ઓપરેટરે જણાવ્યું કે એકલા શ્રીનગરમાં જ પ૦,૦૦૦થી વધુ પ્રાઇવેટ કેબલ કનેકશન છે. તેનું કારણ એ છે કે તેના પર બિનધાસ્ત પાકિસ્તાની અને સાઉદી ચેનલો જોઇ શકાય છે. ઝા‌િકર નાઇકના પીસ ટીવી ઉપરાંત પ્રાઇવેટ ઓપરેટરો સાઉદી સુન્નાહ, સાઉદી કુરાન, અલ અરેબિયા, પૈગામ, હિદાયત, નૂર, મદની, સહર, કરબલા, અહલીબાત, ફલક, જીઓ ન્યૂઝ‌, ડોન ન્યૂઝ જેવી પાકિસ્તાની અને સાઉદી ચેનલો બેરોકટોક દર્શાવે છે.

જ્યારે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ ચેનલોના પ્રસારણ પર પ્ર‌તિબંધ હોવા છતાં પણ તેમના પ્રતિબંધની ઐસીતૈસી કરીને આ ચેનલો કાશ્મીરમાં બતાવાઇ રહી છે. મોટા ભાગની પાકિસ્તાની ચેનલોમાં હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તોઇબા અને અન્ય આતંકી સંગઠનોના મોતને ભેટનારા આતંકીઓને શહીદ ગણાવવામાં આવે છે.

એક સ્થાનિક નિવાસીના જણાવ્યા અનુસાર કેટલીક સાઉદી ચેેનલો કટ્ટરવાદી વિચારધારાને ફેલાવવાનું કામ કરી રહી છે. તેઓ ઇસ્લામ અને શરિયતનો અપપ્રચાર કરીને લોકોને ભડકાવવાનું કામ કરી રહી છે. આ ચેનલો પર વહાબી મૌલાના કહે છે કે મહિલાઓ પોતાના પતિ સમક્ષ આત્મસમર્પણ કરી દે. એવું પણ જણાવે છે કે કોઇ મહિલાએ પતિની મંજૂરી વગર ઘરની બહાર પગ મૂકવો જોઇએ નહીં.
http://sambhaavnews.com/

You might also like