કાશ્મીરમાં આતંકી જૂથોને ટેકો ન આપવા પાક. પેનલની ભલામણ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનની એક સંસદીય સમિતિએ સરકારને કાશ્મીરમાં  આતંકવાદી જૂથોને પ્રોત્સાહક ટેકો આપવાનું ટાળવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાને દૂર કરવા માટે ત્યાં હુમલાઓમાં સંડોવાયેલા સંગઠનો સામે પગલાં લેવા જણાવ્યું હતું. એક અખબારના જણાવ્યા મુજબ નેશનલ એસેમ્બલીની વિદેશી બાબતોની સ્ટેન્ડિંગ કમિટિએ ગઈકાલે  કાશ્મીર સંબંધિત ચાર પાનાનો નીતિવિષયક પત્ર બહાર પાડ્યો હતો.

તેમાં જણાવાયું હતું કે પાકિસ્તાને કાશ્મીરમાં સશસ્ત્ર, પ્રતિબંધિત આતંકવાદી જૂથોને સક્રિય સમર્થન માટેની હાકલને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. આ પત્રમાં ભારત-પાકિસ્તાન સંબંધો વિશે સંખ્યાબધ્ધ નીતિગત ભલામણો કરવામાં આવી છે. પાકિસ્તાન તેની ભૂમિ પરથી પ્રવૃત્તિ કરતા આતંકવાદી જૂથો સામે પગલાં લે તેવી ભારત માગણી કરતું આવ્યું છે.

સત્તાધારી પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના સાંસદ અવૈસ એહમદ લેઘારીએ સૂચવ્યું હતું કે કાશ્મીરમાં હુમલાઓમાં સંડોવાયેલા જૂથો સામે પાકિસ્તાન પૂરતી કાર્યવાહી કરતું નથી તેવી આંતરરાષ્ટ્રીય ચિંતાને દૂર કરવા માટે સરકારે હિંસક સશસ્ત્ર સંગઠનો સામે પગલાં લેવા જોઈએ.સમિતિએ એમ પણ સૂચવ્યું હતું કે ભારત પ્રત્યેની પાકિસ્તાનની નીતિ ચાર મહત્વનાં સિધ્ધાંતો – પ્રત્યુત્તર,ઘટાડો, પુનઃપ્રારંભ અને પરિણામ પર આધારિત હોવી જોઈએ.

સમિતિએ એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારત સાથેના તમામ પડતર મુદ્દા પર વ્યાપક રીતે સામેલ થવું જોઈએ. સમિતિએ એવી પણ ભલામણ કરી હતી કે પાકિસ્તાને ભારત સાથે ચાર મહત્વના મુદ્દા – કાશ્મીર, પાણી, વેપાર અને સંસ્કૃતિ તથા સંચાર અંગે કાર્યવાહી કરવી જોઈએ. કાશ્મીર મુદ્દે સમિતિએ ભલામણ કરી હતી કે પાકિસ્તાને આ મુદ્દાને બંન્ને દેશ વચ્ચેનો મુખ્ય મુદ્દો ગણાવીને આ વિવાદનો ઉકેલ લાવવા માટે સતત કહેતા રહેવું જોઈએ.

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સક્રિય રીતે સામેલ થશે તો તેનો કાશ્મીરીઓને નક્કર રાજદ્વારી અને નૈતિક ટેકો મળશે. પાણીના મુદ્દે સમિતિએ જણાવ્યું કે આ મુદ્દાની ચર્ચા અમુક ચોક્કસ પ્રોજેક્ટ પર વિશેષ ભાર મૂકવાને બદલે સમગ્રપણે કરવી જોઈએ. સમિતિએ ઈન્દુસ જળ સંધિ સંબંધિત મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર ખાસ રજૂ કરવા માટે જણાવ્યું હતું.

વેપાર બાબતે સમિતિએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારત સાથે ગેરકાયદે વેપારને ઘટાડવા અને નિયંત્રિત કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.  કસ્ટમ વિભાગ અને સરહદી દળોની ક્ષમતા વધારીને આ શક્ય બની શકે. વધુમાં વિઝા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવીને પણ  ગેરકાયદે વેપારને નિયંત્રિત કરી શકાય.

You might also like