હિંદ મહાસાગરમાં ભારતની વધતી અણુ તાકાતથી પાક. ચિંતિતઃ સરતાજ અઝીઝ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે હિંદ મહાસાગરમાં વધતી જતી ભારતની હાજરી અને ભારતીય નૌકાદળના વિસ્તરણ પર ગંભીર ચિંતા વ્યકત કરી છે. સરતાજ અઝીઝે જણાવ્યું છે કે જો ભારત આ વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો પાકિસ્તાન તેનો જડબાતોડ જવાબ આપશે. તેમણે ભારત પર હિંદ મહાસાગરનું પરમાણુકરણ (ન્યૂ ક્લિયરાઇઝેશન) કરવાનો પણ આરોપ મૂકયો છે.

સરતાજ અઝીઝે જણાવ્યું છે કે ભારતને કારણે હિંદ મહાસાગરમાં અસ્થિરતા ઊભી થવાનો અને ત્યાંની શાંતિનો ભંગ થવાનો ખતરો ઊભો થયો છે. પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ અનુસાર સરતાજ અઝીઝે કરાચી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ મેરિટાઇમ કોન્ફરન્સમાં આ વાત કરી હતી. સરતાજ અઝીઝે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરનું લશ્કરીકરણ, ખતરનાક શસ્ત્રોનો ખડકલો, મિસાઇલ ક્ષમતામાં વધારો અને વિદેશી સેનાની હાજરી હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ માટે મોટા ખતરારૂપ છે.

તેમણે જણાવ્યું છે કે આ ઉપરાંત આ વિસ્તારમાં સમુદ્રમાં લૂંટફાટ, ગેરકાયદે માછીમારી, માનવ, ડ્રગ્સ અને શસ્ત્રોની દાણચોરી, પ્રદૂષણ અને કલાઇમેટ ચેન્જ જેવા અનેક પડકારો ઊભા થયા છે. સરતાજ અઝીઝે જણાવ્યું હતું કે હિંદ મહાસાગરની સુરક્ષા પાકિસ્તાન માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. અમને હિંદ મહાસાગરની આર્થિક ક્ષમતા સમજાઇ ગઇ છે. તે દુનિયાના ૩૦થી વધુ દેશોને કિનારો ઉપલબ્ધ કરાવે છે. માત્ર એશિયા જ નહીં, પરંતુ દ‌િક્ષણ એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકા માટે મુખ્ય સંપર્ક સેતુ સમાન છે. તે ઓસ્ટ્રેલિયાને યુરોપ સાથે સાંકળે છે. આથી તમામ પક્ષકારો વચ્ચે તેની સુરક્ષાને લઇને નિયમિત વાતચીત થવી જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જાન્યુઆરીમાં પરમાણુ શકિતથી સજ્જ સબમરિન દ્વારા લોન્ચ કરવામાં આવેલ ક્રૂઝ મિસાઇલ બાબર-૩નું સફળ પરીક્ષણ કર્યું હતું. તે અગાઉ ર૦૧૬માં ભારતે પણ અણુક્ષમતા સજ્જ સબમરિન અરિહંત પરથી કે-૪ બેલેસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like