જખૌમાં ઘુસી પાકિસ્તાની બોટ : 11 માછીમારોની ધરપકડ

અમદાવાદ : ભારતીય તટરક્ષમક (આઇસીજી) દ્વારા કચ્છ ખાતે પાકિસ્તાની બોટને રોકવામાં આવી છે. તેમાં રહેલા 11 માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાની નૌકા જખઉ કિનારાની નજીક ભારતીય સમુદ્રી સીમામાં ઘુસી ગઇ હતી. સંરક્ષણ પ્રવક્તા કેપ્ટન અભિષેક મતિમાને જણાવ્યું કે 40 ફુટ લાંબી પાકિસ્તાનની બોટને શનિવારે ભારતીય સીમામાં પકડવામાં આવી હતી. તે પાંચ સમુદ્રી માઇલ જેટલી ભારતીય સીમામાં અંદર ઘુસી આવી હતી. તટરક્ષક દળે પોતાનાં પેટ્રોલિંગ દરમિયાન અરબ સાગરમાં આ નૌકાને જોઇ હતી. તેમાં રહેલા લોકો માછીમારી કરી રહ્યા હતા. ત્યાર બાદ નૌકા અને 11 માછીમારોને પકડી લેવામાં આવ્યા હતા.
ગત્ત વર્ષે સરક્રિક વિસ્તારમાં પાકિસ્તાનની બે માછીમારીની બોટ મળી આવી હતી. ભારતીય અને પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા એજન્સીઓ પોત પોતાની સમુદ્રી સીમામાં ઘુસનારા માછીમારોની નૌકાઓને ઘણીવાર જપ્ત કરી લેતા હોય છે. હાલનાં સમયમાં લગભગ ભારતનાં 440 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. જે પૈકી મોટા ભાગનાં ગુજરાતનાં અને ખાસ કરીને પોરબંદરની આસપાસનાં ગામોનાં છે.
માછીમારીમાં ઉપયોગ થતી 860થી વધારે નૌકાઓ પણ પાકિસ્તાનનાં કબ્જામાં છે. હાલમાં જ માછીમારોનાં સંગઠને પાકિસ્તાનની જેલોમાં બંધ ભારતીય માછીમારો અને તેની નૌકાઓને પાછા લાવવા માટે વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી. આ અંગે પોરબંદર એસોસિએશનનાં પ્રમુખ મનીષ લોધારીએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો હતો.

You might also like