પદ્માવતી નામે ખૂબસૂરત કોયડો…

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ પરનો વિવાદ બંધ થવાનું નામ નથી લેતો. પદ્માવતી વિશે સાહિત્યમાં ઘણું લખાયું છે, પરંતુ મોટાભાગના લોકોને પદ્માવતીના ઇતિહાસ વિશે ખબર નથી. તો બીજી તરફ પદ્માવતીનું પાત્ર ઇતિહાસ સાથે જોડાયેલું છે કે પછી હિન્દી સાહિત્ય સાથે તે પ્રશ્ન ઉદ્ભવવા લાગ્યા છે. આ બંને વચ્ચે રાજપૂતોની લાગણી દુભાઈ તે હકીકત છે, કેમ કે રાજસ્થાનમાં રાજપૂતો પદ્માવતીને પૂજે છે. તેમને દેવી ગણે છે ત્યારે તે પાત્ર સાથે જ છેડછાડ કરવામાં આવે તો વિરોધ થવો સ્વાભાવિક છે.

હિન્દી ઇતિહાસકારોના મતે ૧૬મી સદીના હિન્દી કાવ્ય પદ્માવતથી પદ્માવતીનું પાત્ર જીવંત થયું છે. જે પદ્માવતી ઉપર વિવાદ ચાલી રહ્યો છે તે ઐતિહાસિક નહીં પણ સાહિત્યિક છે, પરંતુ હકીકત એ છે કે ઐતિહાસિક કથાની આસપાસ જ અન્ય કથાઓ ફરી રહી છે. જેમાં થોડા સુધારા છે. અલાઉદ્દીન ખીલજીએ ૧૩૦૩માં ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ ઇતિહાસમાં છે.

૧૬મી સદીમાં મોહંમદ જાયસીએ પદ્માવત મહાકાવ્યની રચના કરી હતી. જે અવધી ભાષામાં હતી. ર૦૦ વર્ષ પછી જાયસીએ પદ્માવતીના પાત્રને ફરી જીવંત કર્યું હતું. ઇતિહાસકારોના મતે પદ્માવતી કાલ્પનિક પાત્ર છે.આવું પાત્ર વાસ્તવમાં હતું જ નહીં, કારણ કે પદ્માવતી પૂર્ણપણે એક કાલ્પનિક ચિત્ર જ છે. જાયસીએ સાહિત્યનો આધાર લીધો નથી. આ પાત્ર   ૧પ૪૦માં રચવામાં આવ્યું હતું. કોઈ પણ ઇતિહાસકારે ૧પ૪૦ પહેલાં આનો ઉલ્લેખ કર્યો નથી. આ વસ્તુ પૂરી રીતે કાલ્પનિક છે. જાયસીએ પદ્માવત કાવ્યમાં ખીલજીને ખલનાયક ચિતર્યો છે. તેનું સામ્રાજ્ય પણ વિશાળ બતાવ્યું હતું. પદ્માવતીનો ઉલ્લેખ ૧પથી ૧૮મી સદી સુધી જોવા મળ્યો હતો.

પદ્માવતી અને અલાઉદ્દીનનો ઉલ્લેખ અલગ અલગ ઇતિહાસકારે અલગ અલગ રીતે કર્યો છે. જે કારણે આ બંનેની વાર્તા ઇતિહાસનો એક હિસ્સો બની ચૂકી છે.  ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સંજય લીલા ભણસાલીની ફિલ્મ કયા આધારે બની છે?

સંજય લીલા કહે છે કે, “પદ્માવતી એક પીરિયડ ડ્રામા છે. જેમાં મેવાડના રાજા રતનસિંહ રાવલ, મહારાણી પદ્મિની અને ખીલજી વંશના સૌથી ચર્ચિત શાસક અલાઉદ્દીન ખીલજીની ટ્રાયેંગલ સ્ટોરી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રણવીસિંહ અને શાહીદ કપૂર મુખ્ય ભૂમિકામાં દેખાશે.

પદ્માવતી કોણ હતી ?

પદ્માવતી અત્યંત ખૂબસૂરત, બહાદુર લડાયક હતી. અલાઉદ્દીન તેના પર મોહિત થઈ ગયો હતો. પદ્માવતીને પામવા માટે તેમણે રાજા રતનસિંહને બંદી બનાવ્યો હતો.પદ્માવતી ચિત્તોડના રાજા રતનસેનની રાણી હતી. જેના સૌંદર્યની પ્રસંશા સાંભળીને તત્કાલીન સુલતાન અલાઉદ્દીન તેને મેળવવા  ચિત્તોડ પર આક્રમણ કરે છે. યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે પરંતુ પદ્માવતી સહિત મહારાણીઓના જૌહરના કારણે તે પદ્માવતીને મેળવી શકતો નથી. રાણી પદ્માવતીને પદ્મિનીના નામે પણ ઓળખવામાં આવે છે. પદ્માવતીનો જન્મ સિંહલ દેશ (શ્રીલંકા)માં થયો હતો. તેના પિતા રાજા ગાંધર્વસેન તથા માતા ચંપાવતી હતી.

તેનાં લગ્ન મેવાડના રાવલ રતનસિંહ સાથે થયાં હતાં. તે તેના સૌંદર્યના કારણે દેશભરમાં લોકપ્રિય બની હતી. આ સમયે રાજા રતનસિંહે કોઈ વાતે નારાજ થઈ રાઘવ ચેતન નામના રાજ ચારણને દેશમાંથી કાઢી મૂક્યો હતો. રાઘવે દિલ્હી દરબારમાં જઈને મહારાણી પદ્માવતીના સૌંદર્યની વાત અલાઉદ્દીન સામે એ રીતે કરી હતી કે તે રાણીને મેળવવા માટે લલચાયો અને ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું. ખીલજીની સેના કૂચ કરતાં રાવલ રતનસિંહના ચિત્તોડગઢ કિલ્લામાં રાજપૂતોની સેના એકત્ર થવા લાગી હતી.

ખીલજીની સેનાએ અનેક મહિના સુધી ફોર્ટને ઘેરીને રાખ્યો હતો, પરંતુ કોઈ જ સમાધાન થઈ શક્યું ન હતું. સફળતા ન મળતા ખીલજીએ રમત રમી. તેણે રતનસિંહ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે તે માત્ર એક વાર મહારાણી પદ્માવતીને જોવા દે. પછી તે ત્યાંથી જતો રહેશે. આ પ્રસ્તાવ સાંભળીને રતનસિંહ ગુસ્સે થઈ ગયા હતા, પરંતુ પદ્માવતીએ યુદ્ધ રોકવા પતિને આ માટે તૈયાર કર્યા હતા. ચિત્તોડગઢ ફોર્ટમાં મહારાણીના મહેલની આગળ એક કાચને એ રીતે રાખવામાં આવ્યો કે પદ્માવતીનું પ્રતિબિંબ ખીલજીને જોવા મળે. પ્રતિબિંબમાં પદ્માવતીને જોઈને ખીલજીની નિયત બગડી અને તેમણે બહાર સુધી મૂકવા આવેલા રતનસિંહને પકડી લીધો હતો.

પતિને છોડાવવા પદ્માવતી ૧પ૦ પાલખીઓના રસાલા સાથે ખીલજીના પડાવ સુધી પહોંચે છે. ત્યાં ૭૦૦ હુમલાખોરોને તૈયાર કરી હુમલો કરીને રતનસિંહને આઝાદ કરાવ્યો. જેથી રોષે ભરાયેલા ખીલજીએ ચિત્તોડગઢ ઉપર આક્રમણ કરી દીધું હતું. સંખ્યામાં ઓછા હોવા છતાં રાજપૂત સૈનિકોએ પણ સામે આક્રમણ કર્યું હતું. કથા પ્રમાણે ફોર્ટમાં હાજર પદ્માવતીએ ૧૬ હજાર મહિલાઓની સાથે જૌહર કરવાનો નિર્ણય કર્યો હતો. તમામ મહિલાઓએ પહેલાં ગૌમુખ સરોવરમાં સ્નાન કરીને કુળદેવીની પૂજા કરી હતી. ગૌમુખના ઉત્તરમાં આવેલા મેદાનમાં જૌહર કરવામાં આવ્યું હતું. મહારાણી પદ્માવતીના નેતૃત્વમાં ૧૬ હજાર મહિલાઓ એક પછી એક ચિતામાં કૂદી પડી હતી.

એક પુસ્તકમાં પદ્માવતીને તેના રૂપ મુજબ યોગ્ય પતિ મળતો ન હોવાનો ઉલ્લેખ છે. રાજસ્થાનમાં આજે પણ શાળાકીય અભ્યાસક્રમમાં પદ્માવતી વિશે ભણાવવામાં આવે છે. તેની વીરતા અને

સાહસવૃત્તિના કારણે પદ્માવતી અમર થઈ ગઈ છે. આત્મસન્માન માટે જૌહર કરતા રાજસ્થાનના મેવાડમાં આજે પણ જૌહરને લોકગીત રૂપે યાદ કરવામાંં આવે છે. આ પ્રકારના લોકપ્રિય ઇતિહાસ મુજબ પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે ક્યારેય કોઈ મુલાકાત થયાનું નોંધાયું નથી.

એટલે જ વિવાદોથી ઘેરાયેલા નિર્દેશક સંજય લીલા ભણસાલીએ રાજપૂત સભાને ચિઠ્ઠી લખીને ચોખવટ કરવી પડી કે તેમની આવનારી ફિલ્મ ‘પદ્માવતી’માં અલાઉદ્દીન ખીલજી અને રાણી પદ્માવતીના પ્રેમપ્રસંગનાં કોઈ દૃશ્ય નથી અને કોઈ પ્રેમપ્રસંગ જેવો સીન પણ શૂટ કરાયો નથી. ઐતિહાસિક તત્ત્વો સાથે છેડછાડ કરવામાં આવશે નહીં. તો રાજપૂત સમાજે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે ફિલ્મ રિલીઝ થયા પહેલાં અમારા સમાજની એક કમિટીને ફિલ્મદર્શાવવામાં આવે.

રાજપૂત કરણી સેનાના ફાઉન્ડર લોકેન્દ્રસિંહ કાલવીએ કહ્યું કે, “શું સંજય લીલા ભણસાલીની હેસિયત છે કે તેઓ જર્મનીમાં જઈને હિટલર પર ફિલ્મ બનાવે? આ જ વાત અમે ‘જોધા અકબર’ના શૂટિંગ વેળાએ કહી હતી. ઇતિહાસમાંં જે વાતનો ઉલ્લેખ જ નથી તેને ફિલ્મમાં પણ દર્શાવી શકાય નહીં.” સંજય લીલાની સ્પષ્ટતા પછી કરણી સેનાની ગેરસમજ દૂર થઈ ગઈ છે. ફિલ્મનું નામ બદલાવવાની માગ પણ ભણસાલીએ સ્વીકારી લીધી છે.

સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, “ઇતિહાસ અને સાહિત્યને જોડીને ફિલ્મ બનાવવી જોઈએ. જે મુદ્દે વિરોધ છે તે વાત સાચી હોય તો કરણી સેનાનો ગુસ્સો સ્વાભાવિક છે પણ હાથમાં કાયદો ન લેવો જોઈએ, પરંતુ ફિલ્મમાં અડધું સત્ય અને બાકીની સ્ટોરી કાલ્પનિક હોય છે. આવું ન હોય તો ફિલ્મ જોવાલાયક રહેતી નથી. દર્શકો પણ કંટાળે છે.”

સંજય લીલા આમ પણ વિવાદમાં રહેતા નિર્દેશક છે. આ પહેલાં પણ પુરાણી વાર્તા ઉપર ફિલ્મ બનાવીને વિવાદમાં રહી ચૂક્યા છે. આ રીતે તેઓ પોતાની ફિલ્મ નિહાળવા દર્શકોને લલચાવે છે. ત્યારે હવે પદ્માવતી બોક્સઓફિસ પર કેવી ધૂમ મચાવે છે તે તો આવનારો સમય જ બતાવશે.

શું છે મામલો?

ભણસાલી જયપુરમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પદ્માવતી’ના કેટલાક ખાસ સીનને શૂટ કરી રહ્યા હતા ત્યારે કરણી સેનાના કાર્યકર્તા વિરોધ કરતા ત્યાં પહોંચ્યા અને પ્રદર્શન કર્યાં. રોષે ભરાયેલા કાર્યકરોએ શૂટિંગમાં રાખેલાં ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને સ્પીકરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન ત્યાં અફરાતફરી મચી ગઈ. સંજય લીલા ભણસાલીની સાથે ધક્કામુક્કી પણ થઈ. તેમાં કોઈએ તેને તમાચો ઝીંકી દીધો.

ઇતિહાસ સાથે ચેડાં કર્યાના આક્ષેપો કરી હુમલો કરનારા એ લોકોએ કઈ સંસ્કૃતિનો પરિચય આપ્યો છે એ તો એ લોકો જાતે જ નક્કી કરે, કારણ કે ભણસાલીની  ફિલ્મ જ્યાં શૂટ થઈ રહી હતી એ જગ્યાએ ગણીને ૧૦ પોલીસવાળા હતા. ત્યારે કરણી સેનાના કાર્યકરો ગણાવનારા લોકોએ અણધાર્યો હુમલો કર્યો હતો. તેને કાયરતાની નહીં તો શેની નિશાની કહેવાય ? એ લોકોને ઇતિહાસ સાથે કોઈ લેવાદેવા નથી.

મોટાભાગે ફિલ્મસર્જકોમાં એવી છાપ હોય છે કે ફિલ્મને લઈને વિવાદ થાય એટલે એ સમાચારોમાં ચમકે અને તેના કારણે ફિલ્મને વધુ પબ્લિસિટી મળે એટલે તેને વધુ દર્શકો મળે. જોકે ‘પદ્માવતી’ના વિવાદમાં સંજય લીલાને થપ્પડ ખાવી પડી અને વાળ પણ ખેંચવામાં આવ્યા હતા. એટલે આ કોઈ ફિલ્મી સ્ટન્ટ નથી એ નક્કી છે.
http://sambhaavnews.com/

You might also like