ભગવતી શ્રી પદ્માવતી માતા

પદ્માવતી દેવી જૈન ધર્મનાં અતિ લોકપ્રિય શાસન દેવી છે. શાસન એટલે આજ્ઞા. શાસનનો એક અર્થ ચતુર્વિઘ તીર્થ પણ થાય છે. તેનું પ્રવર્તન કરતી વખતે તેની રક્ષા માટે તીર્થંકર ભગવાન એક દેવની સ્થાપના કરે છે. તેમને શાસન રક્ષક દેવ કે શાસન દેવ કહેવાય છે. એક દેવીને સ્થાપના કરાય છે તે દેવીને શાસન દેવી કહેવાય છે. આમ ચોવીસ તીર્થકરનાં ચોવીસ શાસન રક્ષક દેવ થઈ ગયા. ચોવીસ શાસન રક્ષક દેવી પણ થઈ ગયાં. આ બધામાં શાસન રક્ષક દેવ કરતાં દેવીએ વધુ લોકપ્રિય થઈ ગઈ છે.
આ ક્રમમાં સૌ પ્રથમ શ્રી ચક્રેશ્વરી દેવી, આઠમા શ્રી જ્વાલામાલિની દેવી, બાવીસમા શ્રી અંબિકા દેવી, ત્રેવીસમાં શ્રી પદ્માવતી દેવી છે. જો આ ચાર દેવીને અગ્રતાક્રમ આપવામાં આવે તો બહુમત શ્રી પદ્માવતી દેવીને જ મળે છે.
પદ્માવતી દેવી શાસનદેવી થયા બાદ સદા જાગ્રત જ રહ્યાં છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં કોઈ પણ સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાને ભીડ પડી ત્યારે તરત જ તે સહાયભૂત થયાં જ છે. તેમનાં જેટલી જાગૃતિ, સ્ફૂર્તિ ભાગ્યે જ બીજું કોઈ બતાવી શક્યું હશે. આજે પણ તેઓ સદા સદ્ય એટલે તરત જ પોતાની શક્તિનો પ્રત્યય કરાવી રહેલો છે.
તેઓ દેવ દેવેન્દ્રને પણ વંન્ય છે. તેમનાે મુગટ માછલીના આકારવાળા દર્પણ જેવાે છે. તેમના ચાર હાથ પૈકી બે હાથમાં અનુક્રમે પાશ અને અંકુશ છે. તેઓ પાતાળલોકનાં ભુવનપતિનાં આવાસમાં રહે છે, પરંતુ ભક્તને ભીડ પડતાં જ તીવ્ર ગતિથી જે તે ભક્તની ભીડ ભાગે છે. તેમની ગતિ પ્રકાશ કરતાં પણ અનેક ગણી વધુ છે તેઓ ઘણી વખત નાગિનના સ્વરૂપે પણ હોય છે તે વીજળીની ચમક જેવાં અનેક પ્રચંડ અસ્ત્ર ધારણ કરે છે. ઘણાં મજબૂત હોવાથી દૈત્યોનો નાશ પણ કરે છે. યુદ્ધ વખતે દાંત કકડાવતાં ભયંકર અટ્ટહાસ્ય કરે ત્યારે દૈત્યો ભયભીત તો ત્યાં જ ત્રસ્ત થઈ જાય છે. તેઓ પાર્શ્વનાથ ભગવાન ધર્મચક્રવર્તી હોવાથી પોતે તેમનાં સેવિકા છે તે દર્શાવવા નમ્ર ભાવે તેમના માથે છત્ર ધરે છે તેમની સમીપે દંડ ધારણ પણ કરે છે. તેમનાં અનેક નામ છે જેમાં મુખ્યત્વે તેઓ જયા, વિજયા, અજિતા, અપરાજિતા, સ્થંભમોહા, ભૃંગી, કાલી, કરાલી, ચામુંડા તરીકે પણ પ્રખ્યાત છે. પદ્માવતી દેવી સૌભાગ્યનાં દેવી છે તે સદા શૃંગાર ધારણ કરી રાખે છે તેમની કેડ ઉપર રત્નજડિત કટિમેખલાં છે. કંઠમાં મુક્તામણિનો હાર છે તેમનાં ચરણોમાં પારિજાતનાં પુષ્પ તથા મંજરી છે તેઓનાં બહુદાં લાલ વસ્ત્ર જ હોય છે. લાલ વસ્ત્ર સૌભાગ્યનું પ્રતીક છે. મા પદ્માવતી દેવીનાં નેત્ર ખૂબ સુંદર છે. આ દેવીનું પૂજન હંમેશાં કમળ પુષ્પથી જ કરવું. બને તેટલાં કમળ ગુલાબી રંગનાં જ લેવાં. તેમના લલાટમાં લાલ બિંદી એટલી અદ્ભુત દિસે છે કે મા જાણે હમણાં જ બોલી ઊઠશે. તમામ વાચકોને વિનંતી કે મારાથી નમ્ર એટલો પ્રયાસ તેમનાં ગુણગાન ગાવામાં થયો છે. છતાં ક્ષતિ હોય તો આપ મને માફ કરશો. કારણ માનો મહિના અપરંપાર છે.•
visit : www.sambhaavnews.com

You might also like