‘પેડમેન’ ભારતના અને સ્વચ્છતાના સુપર મેનની અનોખી કહાની

નિર્માતા ટ્વિન્કલ ખન્ના, એસટીઇ ફિલ્મ ઇન્ડિયા, કરિયર્ઝ એન્ટરટેઇન્મેન્ટ, કેપ ઓફ ગુડ ફિલ્મ એન્ડ હોપ પ્રોડક્શનના નિર્માણ હેઠળ બનેલી આર. બાલ્કી નિર્દેશિત ફિલ્મ ‘પેડમેન’ ટ્વિન્કલ ખન્નાના પુસ્તક ‘ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’ પર આધારિત છે.

આ પુસ્તક ૨૦૧૬માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકની ચાર કહાણીમાંથી એક કહાણી ‘ધ સેનેટરી મેન ઓફ સેકન્ડ લેન્ડ’ પર આધારિત હતી, જે તામિલનાડુના એક સામાજિક કાર્યકર્તા અરુણાચલમ મુરુગનાથમના જીવનથી પ્રેરિત છે. આ સામાજિક કાર્યકર્તાના જીવન પર આધારિત ફિલ્મ છે ‘પેડમેન’. મિસિસ ફની બોન્સ મૂવીઝના નામથી ટ્વિન્કલે પોતાની પ્રોડક્શન કંપની બનાવી છે. ‘પેડમેન’ તેની પ્રોડક્શન કંપનીની પહેલી ફિલ્મ છે.

ફિલ્મની કહાણી છે લક્ષ્મી (અક્ષયકુમારની), જે એક વેલ્ડર છે. વેલ્ડિંગ કરનાર લક્ષ્મી એક નાનકડા ગામમાં રહે છે, તેનાં નવાં નવાં લગ્ન થયાં છે. તેના જીવનની અવિશ્વસનીય યાત્રા ત્યારે શરૂ થાય છે જ્યારે તેને એ જાણ થાય છે કે તેની પત્ની ગાયત્રી (રાધિકા આપ્ટે) માસિક દરમિયાન જૂના અને ગંદા કપડાનો ઉપયોગ કરે છે, કેમ કે તે બ્રાન્ડેડ સેનેટરી પેડ મોંઘાં હોવાના કારણે ખરીદી શકતી નથી.

એ જ સમયે લક્ષ્મી એક સસ્તું સેનેટરી પેડ બનાવવાનું નક્કી કરે છે. તે એના માટે ઘણા પ્રકારના પ્રયોગ કરે છે. તેના પર સેનેટરી પેડ બનાવવાની ધૂન સવાર રહે છે. ઘણા પ્રયાસ છતાં તેને સફળતા મળતી નથી ત્યારે તેની પત્ની નારાજ થઇને તેના પ્રયોગનો ભાગ બનવાનો ઇનકાર કરે છે. પોતાની પત્ની માટેની ચિંતા અને પેડ બનાવવા માટેનો લક્ષ્મીનો દૃઢ સંકલ્પ તેને ઘણી વિકટ પરિસ્થિતિમાં લઇ જાય છે, પરંતુ લક્ષ્મી હાર માનતો નથી.

લક્ષ્મીના વિચારો અને તેની સખત મહેનત આખરે રંગ લાવે છે. તે પેડ બનાવનાર મશીન બનાવી લે છે, જેનાથી તે ભારતમાં નિર્મિત સસ્તી કિંમતનાં સેનેટરી પેડ બનાવી શકે છે અને ત્યારબાદ શરૂ થાય છે મહિલાઓના સશક્તીકરણ, માસિક ધર્મની સ્વચ્છતાને લઇ ચળવળ. જોતજોતામાં માત્ર દેશ નહીં, પરંતુ વિદેશમાં પણ તેના પ્રયાસ અને વિચારોની લોકો પ્રશંસા કરવા લાગે છે.

You might also like