પેકેટ પર ‌સ્ટિકર લગાવીને કિંમત બદલવાથી બે વર્ષની જેલ થશે

નવી દિલ્હી: હવેથી કોઈ પણ પેકેટ પર લખેલી કિંમત અને એક્સપાયરી ડેટ સાથે ચેડાં કરવા પર બે વર્ષ સુધીની જેલની સજા અને રૂ. પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે. કન્ઝ્યુમર કોર્ટ ફરિયાદીને વળતર આપવાનો આદેશ પણ કરી શકે છે.

નવા ગ્રાહક સંરક્ષણ સુધારા વિધેયકમાં આ જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક ચોમાસુ સત્રમાં સંસદ સમક્ષ રજૂ થનાર છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી ગ્રાહકોને મદદ મળશે. અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ પણ પેકેટ પર મહત્તમ છૂટક કિંમત (એમઆરપી) અને એક્સપાયરી ડેટ પર ‌િસ્ટકર લગાવી અથવા તો તેને કાપીને નવું સ્ટિકર લગાવીને કિંમત અને તારીખ લખવા કે અન્ય કોઈ પણ ફેરફાર કરવા પર પ્રતિબંધ છે.

જોકે કાયદામાં આ અંગે સ્પષ્ટતા નથી, પરંતુ રજૂ થનારા ગ્રાહક સંરક્ષણ સુધારા વિધેયકમાં આ છેડછાડ કરવા સામે કાર્યવાહીની જોગવાઈ છે. માત્ર આયાતીત (ઈમ્પોર્ટેડ) પેકેટબંધ સામાન પર એમઆરપીનું સ્ટિકર લગાવવાની મંજૂરી છે. આ સ્ટિકરમાં આયાત કરનાર કંપનીએ સંપૂર્ણ વિગતો આપવી પડશે, તેમાં પેકેટ બંધ સામાન ક્યારે આયાત કરવામાં આવ્યો હતો અને કઈ કંપની દ્વારા આયાત કરાયો હતો વગેરે વિગતો સ્ટિકરમાં આપવી પડશે કે જેથી ગ્રાહકને કોઈ મુશ્કેલી ન પડે.

જો કંપનીના સામાનની કિંમત વધી ગઈ હોય તો તે સામાનનું નવેસરથી પેકિંગ કરવું પડશે અને જૂના પેકિંગ પર સ્ટિકર લગાવીને નવી કિંમત લખવાની મંજૂરી મળશે નહીં.
http://sambhaavnews.com/

You might also like