પાલનપુરમાં PAAS દ્વારા જાહેર સભાનું આયોજન : પાટીદારોને તૈયાર રહેવા સુચન

અમદાવાદ : પાલનપુરના કુંભાસણ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ ધ્વારા આજે જાહેરસભાનું આયોજન કરાયું હતું. આ જાહેરસભામાં પાસના નેતા હાર્દિક પટેલ, રેશ્મા પટેલ, નલિન કોટડીયા, દિનેશ બામણીયા તેમજ પાસના કન્વીનર શિવરામ ફોશી તથા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ પાટીદાર સમાજના લોકોની ઉપસ્થિત રહ્યા હતા.

આ જાહેરસભામાં પાસ નેતા હાર્દિક પટેલે પાટીદાર સમાજને અનામત અપાવવા પોતે લડી રહ્યો હોવાનું જણાવ્યું હતું. અને અનામત માટે જેલમાં જવાની પણ હાર્દિકને બીક ન હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું હતું. આજે આક્રમક મિજાજમાં હાર્દિકે પાટીદાર સમાજને પાવડાના ધોકાનો ઉપયોગ કરવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ૧૪ યુવાનોની હત્યા થઇ, પાટીદાર સમાજની બહેનોને ખરાબ શબ્દો બોલવામાં આવ્યા અને તેના ભાગરૂપે ૪૪ ધારાસભ્યો રાજીનામું આપે તો તે ગર્વની વાત હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત ગઢમાં પણ બે પાટીદાર યુવાનોના થયેલા મોતની ઘટનાને આજે હાર્દિકે ફરી તાજી કરી દીધી હતી. આ ઉપરાંત હાર્દિકે ભૂતકાળ વાગોળતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં પાટીદાર સમાજ પર વ્યંગ કરનાર માધવસિંહ સોલંકીની સરકારને પણ ૧૯૮૪માં પાટીદાર સમાજે પાડી દીધી હતી. વધુમાં હાર્દિક પટેલે આજે કુંભાશણ ખાતે યોજાયેલી જાહેર સભામાં ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરી પર સંગીન આક્ષેપો કરતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ શંકર ચૌધરીનો વિરોધ કરતો નથી પરંતુ તેમની નીતિઓનો વિરોધ કરે છે અને આ વિરોધ તે ચાલુ જ રાખશે.

You might also like