‘પાસ’માં ડખો યથાવત્ઃ નવી કોર કમિટીની રચના હવે ચૂંટણી પછી

અમદાવાદ: પાટીદાર સમાજ માટે છેલ્લાં બે વર્ષથી અનામત આંદોલન ચલાવનાર ‘પાસ’ છેલ્લા કેટલાક સમયથી એક અથવા બીજા આંતરિક વિવાદમાં સપડાઇ રહ્યું છે. ‘પાસ’ના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલ સામે વિભિન્ન આક્ષેપ થઇ રહ્યા હોઇ તમામ બાબતોએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે, જોકે કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાનો મીડિયા સમક્ષ ગત તા.રર નવેમ્બરે સ્વીકાર કરનાર હાર્દિક પટેલે ‘પાસ’ના આંતરિક ડખાને ડામવા બીજા જ દિવસે નવી કોર કમિટીના ગઠનની જાહેરાત કરી હતી તેમ છતાં પાસમાં હજુ પણ મતભેદો હોવાના કારણે નવી કોર કમિટીની રચના વિધાનસભાની ચૂંટણી પત્યા પછી જ થશે.

હાર્દિક પટેલ દ્વારા ગત તા.રર નવેમ્બરે અનામત અંગે કોંગ્રેસની અનામત ફોર્મ્યુલા સ્વીકારવા સહિત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આડકતરો ટેકો પણ જાહેર કરાયો હતો. તે વખતે પાસ એ કોંગ્રેસ પાસે કોઇ ટિકિટ માગી નહોતી પરંતુ યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઇએ તેવી ગોળ ગોળ વાતો કરી હતી. આ ઉપરાંત પાસની નવી કોર કમિટીની બીજા દિવસે ગઠન કરાશે તેવી જાહેરાત કરીને હાર્દિક પટેલે તેમ પણ જણાવ્યું હતું કે જે કોઇ કન્વીનરને કોંગ્રેસ તરફથી કે અન્ય કોઇ પક્ષ તરફથી ટિકિટ મળશે તો તેમણે પાસમાંથી રાજીનામું આપવું પડશે.

કોંગ્રેસ દ્વારા પહેલા તબક્કાની યાદીમાં ધોરાજીમાંથી લલિત વસોયા અને બીજા તબક્કાની યાદીમાં પાટણમાંથી ડોકટર કિરીટ સોલંકી એમ બે પાસના કન્વીનરને ટિકિટ ફાળવાઇ છે. પાસના આ બંને કન્વીનર કોર કમિટીના સભ્ય પણ છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે ખુદ હાર્દિકની જાહેરાત થતાં પણ આ બંને કન્વીનર આજે પણ કોર કમિટીના સભ્ય તરીકે યથાવત્ છે. જોકે પાસના આંતરિક વર્તુળો કહે છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સમક્ષ પાસે લલિત વસોયા, મનોજ પનારા, જયેશ પટેલ, નચીકેત મુખી, ગીતાબહેન પટેલ, દિલીપ સાંબવા, અલ્પેશ કથી‌િરયા સહિત ઓછામાં ઓછા દસ પાસના અગ્રણીઓને ટિકિટ આપવાની માગણી કરાઇ હતી.

ટિકિટની ખેંચતાણના કારણે દિનેશ બાંભ‌િણયાનું કોંગ્રેસના ગારિયાધાર બેઠકના ઉમેદવાર પી.એમ. ખૈનીને ઉમેદવારી કરતાં રોકવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. દિનેશ બાંભ‌િણયા સહિતના કાર્યકરોએ છેક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઘરે પણ હલ્લાબોલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાઓથી કોંગ્રેસ અને પાસ વચ્ચે અંદરખાને મોટી તિરાડ પડી હતી, જેના કારણે કોંગ્રેસ હાઇકમાન્ડે ફક્ત બે અગ્રણીઓને ટિકિટ આપી છે.

લલિત વસોયા ધોરાજીમાંથી અને ડો.કિરીટ પટેલ પાટણમાંથી કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે. કોંગ્રેસે કુલ ૪ર પાટીદારોને આ વખતે ટિકિટ ફાળવી છે, પરંતુ નચીકેત મુખી, ગીતાબહેન પટેલ, દિલીપ સાંબવા, અમિત પટેલ સહિતના અન્ય પાસના દાવેદારોના પત્તાં કાપ્યા હોઇ પાસમાં અંદરખાનેથી વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો છે એટલે પાસની નવી કોર કમિટીનું ગઠન લંબાઇને હવે વિધાનસભાની ચૂંટણી આટોપાયા બાદ જ થશે તેમ સૂત્રો વધુમાં જણાવે છે.

You might also like