‘પાસ’નું સંમેલન છેવટે રદ

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા આજે યોજાનારા ક્રાંતિકારી સંમેલન માટે એસ.જી. હાઇવે પરના ઉમિયાધામને નક્કી કરાયું હતું. ઉમિયાધામ ખાતેના સંમેલન માટે મંજૂરી ન અપાતાં નિકોલ રોડ પરના પાર્ટી પ્લોટ કે મેદાનમાં સંમેલન યોજવાની દિશામાં વિચારણા હાથ ધરાઇ હતી, જોકે હવે પાસના અગ્રણીઓએ સંમેલનના આયોજનને જ રદ કરી નાખ્યું છે.

‘પાસ’ની કોર કમિટીના અગ્રણી સભ્ય વરુણ પટેલ કહે છે, પાસ દ્વારા ક્રાંતિકારી સંમેલનનું આયોજન જ રદ કરી દેવાયું છે. ઉમિયાધામ કેમ્પસને પોલીસ છાવણીમાં ફેરવી નખાયું છે. નિકોલ રોડના પાર્ટી પ્લોટમાં પણ પોલીસ ગોઠવાઇ ગઇ છે. રાજ્ય સરકારે તાનાશાહી અપનાવતાં સંમેલન રદ કરવાની અમને ફરજ પડી છે.

પાટીદાર સમાજના આગેવાનો પ્રહ્લાદ પટેલ અને નારણ પટેલ રાજ્ય સરકારને તાબે થયા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં વરુણ પટેલ વધુમાં કહે છે કે, ‘અમારા સમાજના આ આગેવાનોએ રાજ્ય સરકારના દબાણમાં આવીને સંમેલન માટે આપેલી મંજૂરીને રદ કરી નાખી છે. ગુજરાતની લોકશાહીને બચાવવાના બદલે આ આગેવાનો અવળી દિશામાં ચાલ્યા છે. ઉમિયાધામ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવી નખાયું છે, પરંતુ હવે પાટણમાં આગામી તા.ર૬ ઓગસ્ટે ‘પાસ’ દ્વારા સંમેલન યોજાશે.

જોકે ‘પાસ’ની કોર કમિટીના અગ્રણી સભ્ય વરુણ પટેલે પાટણમાં યોજાનારા સંમેલન પહેલાં અમદાવાદમાં કોર કમિટીની બેઠક યોજાશે તેમ પણ જણાવ્યું છે. તેઓ કહે છે કે, ‘કોર કમિટીની આ બેઠકમાં હાર્દિક પટેલ, વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, રવિ પટેલ, નરેન્દ્ર પટેલ, લલિત વસોયા, મનોજ પનારા, ઉદય પટેલ, નીરવ પટેલ, અમરીશ પટેલ, નરેન્દ્ર પટેલ અને સુરેશ ઠાકરે હાજર રહેશે, જેમાં આગામી રણનીતિ નક્કી કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ગુરુવારે હાર્દિક પટેલ સહિત પચાસ જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ તે જ દિવસે મોડી રાત્રે તમામને છોડી દેવાયા હતા. ત્યારબાદ સંમેલનનું સ્થળ બદલીને નિકોલ રાખવાની દિશામાં વિચારણા હાથ ધરાઇ હતી, જોકે તેમાં ‘પાસ’ના અગ્રણીઓમાં જ ખેંચતાણ ચાલી હતી અને અમુક આગેવાનોએ ઉમિયાધામનો જ આગ્રહ રાખ્યો હતો.

You might also like