‘પાસ’માં તડાં?: એકતા યાત્રા માટે હાર્દિકને પુછાયું જ નહીં

અમદાવાદ: પાટીદારોના ઓબીસી અનામત માટે લાંબા સમયથી આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ હાલમાં કોર્ટના આદેશ મુજબ છ મહિના માટે ગુજરાત બહાર એટલે કે રાજસ્થાનમાં છે. હાર્દિક પટેલની રાજ્યમાં ગેરહાજરીના પગલે પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’માં આપસી વિરોધાભાસ બહાર આવ્યા છે. હજુ ત્રણ દિવસ પહેલાં જ હાર્દિક પટેલે ‘પાસ’ના અગ્રણીઓ અને પાટીદારોને સંબોધીને મોકલાવેલા વીડિયો મેસેજમાં ‘પાસ’માં કોઇ પણ સુધારા કે ફેરફાર કરવા સામે આડકતરી ચીમકી ઉચ્ચારીને ઉત્તર ગુજરાતના કન્વીનરને ખસેડવાના મામલે પોતાની નારાજગી વ્યકત કરી હતી. હવે ઉત્તર ગુજરાતના બહુચરાજીથી ઊંઝા સુધીની એકતા યાત્રાનો વિવાદ ઊઠ્યો છે. એકતા યાત્રાની જાહેરાત અગાઉ હાર્દિક પટેલની સંમતિ લેવાઇ ન હતી તેમ ‘પાસ’ના કન્વીનરે કબૂલાત કરી હોઇ નવો વિવાદ ઊઠ્યો છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર વરુણ પટેલે બહુચરાજીથી ઊંઝા સુધીની એકતા યાત્રાની જાહેરાત કરતાં ‘પાસ’માં નવો વિવાદ સર્જાયો છે. આગામી તા.૧૩ ઓગસ્ટે નીકળનારી આ એકતા યાત્રા બાવન ગામમાંથી પસાર થશે અને તેમાં પ૦,૦૦૦ પાટીદારો જોડાશે તેવી જાહેરાત પણ કરાઇ છે. એકતા યાત્રાનું સમગ્ર આયોજન સુરેશ ઠાકરે કર્યું છે. ઉત્તર ગુજરાતના કન્વીનરપદે સુરેશ ઠાકરેની નિમણૂક સામે જ હાર્દિક પટેલે પોતાના છેલ્લા વીડિયો મેસેજમાં સંબંધિતોને આડકતરી ચીમકી આપી હતી.

એકતા યાત્રાના સંદર્ભમાં હાર્દિક પટેલની સંમતિ અંગે વરુણ પટેલ કહે છે કે, “એકતા યાત્રા માટે હાર્દિક પટેલની સંમતિ લેવી જરૂરી નથી. ‘પાસ’નો કોઇ પણ કાર્યક્રમ હોય તો હાર્દિકને પૂછવું પડે, જ્યારે આ તો પાટીદાર સમાજનો કાર્યક્રમ છે. પાટીદારોઅે કોઇને પૂછવાની જરૂર નથી. ઉત્તર ગુજરાતના આયોજકોએ પાસને બોલાવતાં ‘પાસ’ મદદ કરવાનું છે.” બીજી તરફ હાર્દિક પટેલે ‘પાસ’ વતી કોઇ પણ વ્યકિતનું નિવેદન કે અખબારી યાદી કે પત્રકાર પરિષદને માન્ય ન રાખવાની મીડિયાને અપીલ કરતો સંદેશ સોશિયલ મીડિયામાં મુકાયો છે. આ સમગ્ર વિવાદ અંગે ‘પાસ’ની કોર કમિટીના સભ્ય ચિરાગ પટેલને પૂછતાં તેઓ ચોંકાવનારી વાત કરે છે. ચિરાગ પટેલ કહે છે કે, ” હાર્દિક પટેલને હાંસિયામાં ધકેલાયા નથી, પરંતુ અમુક તત્ત્વોના કારણે હાર્દિક પટેલને સાચી માહિતી મળતી નથી. તેઓ આ તત્ત્વોથી ઘેરાઇ ગયા છે.”

ઉલ્લેખનીય છે કે ૨૫ જુલાઈઅે ‘પાસ’ના અગ્રણીઓ અને પાટીદાર સમાજને સંબોધીને હાર્દિક પટેલે પોતાના એક મિનિટના વીડિયો મેસેજમાં જણાવ્યું છે કે હાલ જે પ્રમાણે ગુજરાતમાં જુદાં જુદાં સંગઠનો ચેન્જ કરવામાં આવે છે એટલે એવું ન સમજવું કે દરિયામાં ઓટ આવે કે મકાન બનાવી દેવા ભવિષ્યમાં એ ભરતી-ઓટ આવે તો એ તમામ મકાન તૂટી જાય.

હું નવ મહિના જેલમાં રહ્યો અને છ મહિના ગુજરાત બહાર છું એનો અર્થ એ નથી કે પાટીદાર સમાજ નિરાધાર છે. પાટીદાર સમાજના હક માટે સૌ લડી રહ્યા છે. કોઈ જાતિ કે સંગઠનના હોદ્દા માટે નહીં. સમાજના હિત માટે સૌ સાથે મળીને આગળ વધે. ચાહે ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય, જે પ્રમાણે પહેલાં ચાલતું હતું તે જ પ્રમાણે અત્યારે કરવાનું છે. કોઈ પણ રીતે નવા સુધારા કે ચેન્જિસ કરવામાં આવતા નથી.

હાર્દિકે વધુમાં કહ્યું કે જો તમે સમાજના હિત માટે કે ન્યાય માટે લડતા હોય તો કોઈ પણ પ્રકારના હોદ્દાને ધ્યાનમાં ન રાખીને સમાજના હિત માટે આગળ આવો. સમાજનું સંગઠન બને અને પાટીદાર સમાજને ઓબીસીનો લાભ મળે તેવા પ્રયત્ન કરજો.

દરમિયાનમાં એકતા યાત્રા અંગે હાર્દિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પણ સંપર્ક થઈ શક્યો ન હતો.

You might also like