યે તો હોના હી થાઃ અનામત અંગે કોંગ્રેસની ફોર્મ્યુલા હાર્દિકે સ્વીકારી

અમદાવાદ: ગુજરાતનાં રાજકારણને છેલ્લાં બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન દ્વારા ધમરોળનાર પાસના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલે આજે સવારે અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પાટીદારોને અનામત અાપવા અંગેની કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારી લઇને તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે. ભાજપ પર ગંભીર અાક્ષેપો કરવાની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અાડકતરું સમર્થન પણ જાહેર કર્યું હતું. હાર્દિક પટેલે એવો પણ દાવો કર્યો હતો કે અાગામી અઢી વર્ષ સુધી તે કોઈપણ રાજકીય પક્ષમાં જોડાશે નહીં.

હાર્દિક પટેલેે પત્રકાર પરિષદની શરૂઆતમાં જ ટિકિટોની વહેંચણી સહિતના વિવાદ અંગે સેવેલા મૌન સંદર્ભે માફી માગી હતી. તેણે કહ્યું કે, કોંગ્રેસ સાથેની છેલ્લી સાત આઠ બેઠક દરમ્યાન બિનઅનામત વર્ગને ઓબીસી અનામત આપવાની જે કોંગ્રેસની ફોર્મ્યુલા હતી તેની પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ બંધારણીય નિષ્ણાતો, પૂર્વ જજો વગેરે સાથે ચર્ચા વિમર્શ કરીને આ ફોર્મ્યુલા પ્રત્યેક વ્યક્તિને શિક્ષણ, રોજગાર સહિતના તમામ ક્ષેત્રે સમાન અધિકાર આપતી હોવાથી સ્વીકારી છે.

બિન અનામત આયોગ માટેના રૂ.૬૦૦ કરોડના ફંડને કોંગ્રેસ રૂ.ર૦૦૦ કરોડ કરશે તેમ જણાવતાં હાર્દિક પટેલે વધુમાં કહ્યું હતું કે, પ૦ ટકાથી વધુ અનામત ન આપી શકાય એવી કોઇ બાબત બંધારણમાં નથી લખાઇ. સુપ્રીમ કોર્ટે આ માટે ફક્ત માર્ગદર્શન આપ્યું છે જે કોઇ કાયદો નથી. કોંગ્રેસ સાથેની પાંચ સાત બેઠક પછી જે ડ્રાફટ તૈયાર થયો છે તેને અમારી પ્રમુખ સંસ્થા ખોડલધામ અને ઉમિયાધામ સાથેની ચર્ચા બાદ સ્વીકારીએ છીએ.

ભાજપ મોવડી મંડળની અનામત આપવા બાબતની નિયતમાં ખોટ હોવાનો આક્ષેપ કરતાં હાર્દિકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો એજન્ટ નથી. કોંગ્રેસે સ્પેશિયલ સર્વે કરાવવાની વાત બંધારણના ૪૬ની કલમ હોઇ ગળે ઊતરે તેવી વાત છે. હું કોંગ્રેસનાં સમર્થન કે પ્રચારની વાત નથી કરતો પરંતુ અમારી લડત અહંકારીઓ સામે છે.

પાસએ કોંગ્રેસ પાસે કોઇ ટિકિટ માગી નથી પરંતુ યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને કોઇ એવી કોઇ પાર્ટી હોય તેમાં રહેવું જોઇએ તેવી ગોળગોળ વાતો કરતાં હાર્દિક પટેલે વધુમાં એવો આક્ષેપ કર્યો હતો કે, ૭/૧રનો ઉતારો એવું નથી કહેતો કે ગુજરાત ભાજપનું છે. પાસમાં ટિકિટોની વહેંચણી બાબતે કોઇ ડખા નથી. હાર્દિક એવો પણ અાક્ષેપ કર્યો હતો કે હું જ્યારે જેલમાં હતો તત્કાલિન સચિવ કે. કૈલાસનાથને મને રૂ. ૧૨૦૦ કરોડની અોફર કરી હતી.

જોકે અમુક પાસના કહેવાતા આગેવાનોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે આવા લોકો માટે ભાજપે ખાસ રૂ.ર૦૦ કરોડનું પેકેજ તૈયાર કર્યું હોવાથી હું સમાજને અપીલ કરું છું કે તમારો મત અપક્ષ કે અન્ય પાર્ટીમાં વેડફતા નહીં. પોતે કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોને ફગાવતાં હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે હું આવતા અઢી વર્ષ સુધી કોઇ પણ પાર્ટીમાં જોડાવાનો નથી.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર આડકતરો પ્રહાર કરતાં તેણે વધુમાં જણાવ્યું કે મારી પાસે સરદાર પટેલ, શિવાજી, ભગતસિંહ અને ગાંધીજીના સંસ્કારો છે હું વેચાતો માલ નથી. સ્વમાન માટે સોદો કરું તે મારો સ્વભાવ નથી. તેણે લોકોને પાકો ગુજરાતી બનવાનું આહ્વાન કરતાં વધુમાં કહ્યું કે, આપણે ચવાણું, પેંડા અને ભજિયાંમાં વેચાવું નથી. આપણે પાકા ગુજરાતી સાબિત કરવું પડશે.

આ તબક્કે તેમણે રાજકોટમાં ર૯મીએ વિશાળ રેલી, ઠક્કરબાપા નગરમાં રોડ શો અને તા.૧ થી ૩ ડિસેમ્બર દરમ્યાન સુરતમાં વિશાળ કાર્યક્રમની પણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આંસુ પાડવાથી કે જુઠ્ઠું બોલવાથી આ વખતે ખોટો વોટ નહીં મળી શકે. અનામતની ફોર્મ્યુલા આ વખતે કોંગ્રેસ મેનિ‌ફેસ્ટોમાં મૂકશે તેમજ પાસની નવી કોર કમિટીની આવતી કાલે રચના કરાશે.

હાર્દિકે પાસના કન્વીનરોની સત્તા પર સીધો કાપ મૂકવાનો ઇશારો કરીને એમ પણ જણાવ્યું હતું કે હવે પાસ તરફથી માત્ર તે પોતે જ નિવેદન કરશે. દરમ્યાન બોટાદના બાગી કન્વીનર દિલીપ સાબવાએ પોતાની ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી છે. આ દરમ્યાન હાર્દિકે એક પ્રશ્નના ઉત્તરમાં એમ પણ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જ્યારે આવશે ત્યારે તેમને મળવું કે કેમ ? તે વખતે નક્કી કરીશું.

કોંગ્રેસની ફોર્મ્યુલા શું છે ?
એસસી, એસટી અને ઓબીસી વર્ગ માટેની હાલની અનામત ૪૯ ટકાના અનામતનાં માળખાંમાં કોઇ પણ જાતના ફેરફાર કર્યા વગર બંધારણના આર્ટિકલ-૩૧-સીને ધ્યાનમાં રાખીને બંધારણના ૪૬ના પ્રાવધાન મુજબ કોંગ્રેસ પક્ષ જો સત્તા પણ આવશે તો આગામી વિધાનસભામાં વિધેયક રજૂ કરશે. આ પ્રકારની જોગવાઇને સ્પેશિયલ કેટેગરી કે અન્ય કોઇ પણ નામ આપી શકાય. કોંગ્રેસ કમિશનની રચના કરીને કે જેમાં સર્વે કરવામાં આવે અને તેના આધારે જે સમુદાયોને બંધારણના આર્ટિકલ-૧પ/૪ અને ૧૬/૪ મુજબ અનામતનો લાભ અપાયો નથી. તેવા સમુદાયોને અનામત આપવાની કોંગ્રેસે ખાતરી આપી છે.

અા કાયદા હેઠળ સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવાના સમુદાયને નિશ્ચિત કરવા રાજ્ય સરકાર દ્વારા તમામ સ્ટેક હોલ્ડર સાથે પરામર્શ કરી એક કમિટીની રચના કરાશે. સવર્ણ અાયોગની રચના બાબતે પક્ષ દ્વારા જાહેરાત કરાઈ છે. અા અાયોગ પણ શૈક્ષણિક અને અાર્થિક ઉપાર્જનની સમાન તક અાપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે. કોંગ્રેસ અા બાબતને ચૂંટણી ઢંઢેરામાં સમાવશે. ૧૯૯૪ પછી અલગ અલગ નવ રાજ્યોમાં ૫૦ ટકાથી વધુ અનામત અાપવામાં અાવી છે.

You might also like