‘પાસ’ના ભાગેડુ અલ્પેશ કથીરિયાને ક્રાઈમ બ્રાંચે સુરતથી ઝડપી લીધો

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદ નાસતા ફરતા પાસના નેતા અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઇમ બ્રાંચે સુરતના વેલંજા પાસેથી ધરપકડ કરી છે. અલ્પેશ કથીરિયા તેના મિત્ર અને પાર્ટનર આશિષ વધાસિયાનાં લગ્નમાં હાજરી આપવા ગયો હતો ત્યાથી ક્રાઇમ બ્રાંચે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. અલ્પેશ કથીરિયાએ પોલીસ લોકઅપમાં પોલીસ કર્મચારીઓને બેફામ ગાળો આપીને વિવાદમાં આવતા કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. .

થોડાક સમય પહેલા સુરતમાં ગાડી પાર્ક મામલે પોલીસ સાથે ગેરવર્તન, મારામારી અને ધમકી આપવા સહિતના ગુનામાં વરાછા પોલીસે પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની અટકાયત જેમાં તેને વરાછા પોલીસ સ્ટેશન ખાતે એસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગેરવર્તન કરી તેમને ગંદી ગાળો ભાંડી હતી. અલ્પેશના લોકઅપનો જે વીડિયો સામે આવ્યો હતો તેમાં અલ્પેશે અધિકારીઓને ગાળો ભાંડી હતી.

અલ્પેશ કથીરિયાએ પોલીસને બેફામ ગાળો આપ્યા બાદ પોલીસે હવે રાજદ્રોહના કેસમાં જામીન રદ કરવા કાર્યવાહી શરૂ કરી હતી અને સુરતની કોર્ટમાં રાજદ્રોહમાં મળેલા જામીન રદ કરવા માટેની અરજી કરી હતી. કોર્ટે પોલીસની અરજી ગ્રાહ્ય રાખીને અલ્પેશના જામીન રદ કર્યા હતા. અલ્પેશના જામીન રદ થતાંની સાથે જ તે અંડરગ્રાઉન્ડ થઇ ગયો હતો. સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે અલ્પેશ કથીરિયા સુરતના વેલંજામાં તેના મિત્ર અને પાર્ટનર આશિષ વધાસિયાનાં લગ્નમાં હાજરી આપવા માટે આવવાનો છે.

પોલીસ જાનૈયાની જેમ તૈયાર થઇને આશિષ વાધાસિયાનાં લગ્નમાં પહોંચી ગઇ હતી અને અલ્પેશની રાહ જોઇ રહી હતી. અલ્પેશ લગ્નમાં હાજરી આપવા માટે પહોંચ્યો ત્યારે ક્રાઇમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો.અલ્પેશની ધરપકડ થતાં લગ્નમાં ચકચાર મચી ગઇ હતી. રાજદ્રોહના કેસમાં સાડા ત્રણ મહિના સુધી જેલમાં રહ્યા બાદ તેને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો જોકે પોલીસને બીભસ્ત ગાળો બોલાની શરતોનો ભંગ કરતાં કોર્ટે તેના જામીન રદ કર્યા હતા. પોલીસે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરતાં સુરતમાં ચકચાર મચી ગઇ છે.

You might also like