પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ: સુરતના પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ કરી ભારતીય જનતા પાર્ટી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પર આક્ષેપો કરી જણાવ્યું હતું કે તેઓ મને હનીટ્રેપ દ્વારા ફસાવવા માગે છે. હાર્દિક પટેલની જેમ મારી પણ મોર્ફ સીડી તૈયાર કરવામાં આવી છે. નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે ભાજપ ગૂંડાગર્દી પર ઊતરી આવી છે. પાસના કન્વીનરો જે તૂટીને ભાજપમાં જઇ રહ્યા છે તેઓ ધાક-ધમકીથી ડરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. મને પણ ભાજપમાં જોડાવવા માટે ધાક-ધમકી અપાઇ છે. ભાજપના અંગત કહેવાતા સુરતના અગ્રણી બિલ્ડર મૂકેશ પટેલ દ્વારા ફોનથી ધમકી અપાઇ હતી. નિખિલ સવાણીએ અમિત શાહનું નામ વારંવાર જનરલ ડાયર તરીકે લીધું હતું.

મૂકેશ પટેલે ફોન પર કહ્યું હતું કે, ‘પેલું તારું જાહેર કરી દઉં’ જોકે હું પરિવાર સાથે હોવાથી વધુ વાતચીત કરી શક્યો ન હતો. થોડા સમય બાદ વોટ્સએપ પર કોલ કરી તું બીજેપી સામે જે આંદોલન કરે છે તે બંધ કરી દે. જલદીથી જલદી કોંગ્રેસ પર તેમજ હાર્દિક પટેલ પર અને સીડીકાંડને લઇ આક્ષેપો કર નહીં તો તારી પણ મોર્ફ કરાયેલી સીડી તૈયાર છે.

ભાજપ વિરુદ્ધ જો તું જઇશ તો તારા ટાંટિયા તોડી જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપવામાં આવી છે. નિખિલ સવાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જો મને કંઇ થશે તો તેની જવાબદારી સરકાર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મૂકેશ પટેલ અને પોલીસતંત્રની રહેશે. આવી ધમકીઓના કારણે તે સુરતમાં રહી શકતો નથી. જો રોડ અકસ્માતમાં મારું મૃત્યુ થાય તો તેની તપાસની શરૂઆત મૂકેશ પટેલથી કરવી.

મૂકેશ પટેલના કારણે મારા પરિવારને પણ નુકસાન થઇ શકે તેમ છે. આ વાતની જાણ મીડિયા દ્વારા પોલીસ અને સરકારને કરી રહ્યો છું તેમ નિખિલ સવાણીએ જણાવ્યું હતું. જેલવાસ દરમ્યાન સરકાર અને હાર્દિક પટેલ વચ્ચે મધ્યસ્થીનો રોલ મૂકેશ પટેલનો જ હતો. રેશ્મા પટેલ અને વરુણ પટેલ પણ પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા હતા. પરંતુ ભાજપની ધાક-ધમકીના કારણે તેઓ ભાજપમાં જોડાઇ ગયા છે.

પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે હાર્દિકની ખોટી સીડી બનાવીને ફૂટ પાડવાનો પ્રયાસ કરાયો છે, પરંતુ સમાજ ભાજપને ઓળખી ગયો છે ભાજપના ખરીદ-વેચાણ સંઘને સમાજ સાથ-સહકાર નહીં આપે.
તેમણે વધુ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મારા પર હનીટ્રેપ કરીને ફસાવવા માગે છે, મારા ફેસબુક એકાઉન્ટમાં છોકરીના નામથી ખોટું એકાઉન્ટ બનાવીને મને ફસાવવાના પ્રયત્નનો સીધો આક્ષેપ ભાજપ સામે કરું છું.

જોકે પુરાવા હું પાછળથી આપીશ. તેમણે એમ પણ કહ્યું કે મારા પપ્પાના વાલના ઓપરેશનમાં હું બે દિવસ વ્યસ્ત હતો એટલે બે દિવસ અગાઉ મળેલી ધમકીની કોઇ પોલીસ ફરિયાદ થઇ શકી નથી, પરંતુ હવે જે તે પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થશે.

You might also like